પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૩
સગીર રાજ્યવહીવટ

હદમાં માણસની જિંદગીની કિંમત બ્રિટિશ હિંદના જેટલી જ હોવી જોઈએ. દરેક ગોળીબારના પ્રસંગ પછી તેની બારીક ઝીણવટભરી તપાસ ચાલવી જોઈએ, અને તેમ કરી થતું અટકાવવા માટે દંડનાં તેમ જ અટકાવ કરનારાં સંગીન પગલાં લેવાવાં જોઈએ. ચક્રવર્તી સત્તાની ફરજ છે કે જે રાજા પોતાની સત્તાનો અદાલતી કાંટે તોળીને ઉપયોગ ન કરી જાણે તેમની પાસેથી તેવી સત્તા ખૂંચવી લેવી. બૃહદ ભારતવર્ષમાં રાજ્યનું સ્થાન કયું ? એ આખો પ્રશ્ન જ નવેસર વિચારણા માગી લે છે.

જૂનાને સ્થાને નવો યુગ આવ્યો છે. કાળના આવા પલટાની સાથે જુદા જુદા પક્ષોની રીતરસમમાં પણ પલટો થવો જોઈએ. આ પક્ષો એટલે ચક્રવર્તી સત્તા, રાજા, તેમની પ્રજા, અને છેલ્લે મહાસભા — જો એ સંસ્થા આજના ઘરકજિયામાંથી બચી બહાર નીકળે તો. ચક્રવર્તી સત્તા અગર તો રાજાઓ, જે મહાસભાની છાયા તળે રાજ્યોની પ્રજા આરંભથી જ ખીલતો વિકસતી આવી છે, તેને અવગણશે તો આ પ્રજાઓને મહાસભાએ દોર્યે જ છૂટકો. રાજાઓ અગર તે ચક્રવર્તી સત્તા મહાસભાની આવી રાહબરી સામે રોષ ધરશે તો તેમાંથી અચૂક પણ સાવ બિનજરૂરી અથડામણ ઊભી થયા વિના રહેશે નહિ. નિકટમાં નિકટ સામાજિક અને આર્થિક બંધનોથી બંધાયેલા એક હાડ અને લોહીના લોકો કૃત્રિમ વાડાની દીવાલોથી જુદા રહી જ કેમ શકે ? ભૂષણ તો એમાં રહેલું છે કે મહાસભાનો અવિશ્વાસ કે ભય ન ધરતાં સૌ કોઈ રાજાઓ તથા તેમની પ્રજાના હિતાર્થે જ્યારે જ્યારે મહાસભાની મદદ મળી શકે ત્યારે ત્યારે તેને આવકારે.