પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

સુધ્ધાં અશક્ય કરી મૂકવાનાં પગલાં પડી રહ્યા છે. મહાસભાને તો પોતાનો ધર્મ રહ્યો છે. દેશી રાજ્ય પ્રજા પરિષદનું બંધારણ હું બરોબર નથી જાણતો, પણ હું માની લઉં છું કે કોઈ ને કોઈ સ્વરૂપમાં મહાસભા જોડે તેનો સંબંધ છે. એટલે કોઈ પણ દૃષ્ટિએ એ જ એકમાત્ર સંસ્થા છે, જે દેશી રાજ્યોની પ્રજાને દોરવવા ખાસ રચાઈ છે. રાજ્યોએ આવી દોરવણી પ્રત્યે રોષ કરવો અનુચિત છે. તેમણે એ પણ સમજવું રહ્યું છે કે એવો કશો પણ રોષ નિષ્ફળ જ નીવડે. ખરે ટાંકણે લોકોને દોરવવાનો પોતાનો ધર્મ મહાસભા ચૂકી શકે નહિ. એવો સમય હતો જ્યારે મહાસભા ચક્રવર્તી સત્તાની સામે દેશી રાજ્યોના હકોની બાબતમાં દોરવણી અને રક્ષા આપતી હતી. ભીડ વેળાએ જો રાજ્યો મહાસભાની મૈત્રી ઈચ્છતાં અને આવકારતાં હતાં, તો આજે તેની પ્રજાએ મહાસભાની સલાહ, દોરવણી અને રક્ષા શોધે તે સામે વાંધો લેવો એ તેમને ભાગ્યે જ શોભે. મહાસભા હરેક પ્રસંગે પ્રજાને સંગીન મદદ કદાચ ન કરી શકે એ કમનસીબે સાચું છે. મહાસભાએ પોતાના તંત્રને મજબૂત પાયા ઉપર મૂકીને શાણા સંયમથી નિષ્પક્ષપણા માટે તથા અદલ ઇન્સાફ માટે પોતાની શાખ બેસાડીને જરૂરી પીઠબળ પેદા કરવું રહ્યું છે. જો મહાસભાને છાજતી રીતે આ કામ બજાવવું હોય તો તેણે પોતાના કાર્યકરો તેમના હેવાલો પૂરી ઝીણવટથી તેમ જ સચ્ચાઈથી તૈયાર કરે એવો આગ્રહ રાખવો જ પડશે. પોતાની આગળ રજૂ થતી હકીકતોમાં આટલે સુધીની સચ્ચાઈ અને સમતોલન માટે ખાતરી ધરાવવા સારુ સ્થાયી સમિતિએ તેવી દરેક હકીકતની બારીક છણાવટ કરવી પડશે. આ રીતે જો કોઈ રાજ્યમાં સાદો ન્યાય આપવાનો