પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

—અને તે આવવો જ જોઈએ — ત્યારે તે પેલા મૂઠીભર ત્યાગી પુરુષોના શૂરાતનનું અને ફનાગીરીનું ફળ હશે કે જેમણે આકરામાં આકરી દમનનીતિ સામે શિર ઝુકાવવા ના પાડી છે. તેઓ હેનરી થૉરોનું પેલું અમર વચન યાદ રાખે કે, જુલમી રાજ્યમાં મિલકત ધરાવવી એ પાપ છે અને મુફલિસી મહાપુણ્યરૂપ છે.

આટલું તો મારી પાસે આવેલા વિશ્વસનીય પુરાવા વિષે. પણ લીંબડીએ આવું જુલમી રાજ્ય શા સારુ બનવું જોઈએ ? મારી પાસે આવેલા નિવેદનમાં જો અતિશયોક્તિ હોય તો રાજ્યના સત્તાવાળાઓ તેનો રદિયો મારા પર મોકલી આપે. તે ઘણી ખુશીથી છાપીશ. તેથીયે સારું તો એ કે રાજ્યની સામે કરવામાં આવેલા આક્ષેપોના ખરાપણા સામે રાજ્ય વાંધો લેતું હોય તો તે એક નિષ્પક્ષ અદાલતી તપાસ નીમે.

હું લીંબડીના ઠાકોર સાહેબને જાહેર વિનંતી કરવા ઈચ્છું છું. તેમની અંગત પિછાનનો સુયોગ મેં ભોગવ્યો છે. તેમની મહેમાનગીરી પણ લીધી છે. તે ધાર્મિક વૃત્તિના અને ઈશ્વરથી ડરીને ચાલનારા પુરુષ તરીકે જાણીતા છે. તેમની વચ્ચે અને તેમના પ્રજાજનો, જેમાંના કેટલાક જાણીતા અને આબરૂદાર તેમ જ લીંબડીમાં જોખમ ધરાવનારા માણસો છે, તેમની વચ્ચે આવો અંટસ ચાલુ રહે એ કોઈ વાતે ઠીક નથી. એ બધા લોકોને દાઝે બળ્યા ટોળાંના ગણી કાઢવા એ અયોગ્ય છે. તેમને કશો પોતીકો સ્વાર્થ નથી. રાજ્યની સામે મોરચો માંડવામાં તેમને કશો દુન્યવી લાભ સાધવાનો નથી. તેમણે તો ઘરબારથી પરાગંદે થઈને અને મરજિયાત દેશવટા લઈને દુન્યવી ગણતરીએ પાર વગરનું નુકસાન જ વહોર્યું છે. ડાહ્યો