પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

વ્યાપે એની સરખામણીમાં આ પ્રાણહાનિને નજીવી જ ગણવી જોઈએ. દરમ્યાન અત્યારે એ પક્ષોની થતી ઈચ્છાએ, કે પછી અનિચ્છાએ પણ, નૈતિક મુદ્દાઓની છણાવટ ચાલી રહી છે. આમાં હું જોઉં છું કે બ્રિટિશ મુત્સદ્દી હવે યુદ્ધના હેતુઓને યુરોપી પ્રજાઓની સ્વતંત્રતા પૂરતા મર્યાદિત કરવા લાગ્યા છે. પણ જો લડાઈ એકાએક બંધ નહિ પડે તો આખી દુનિયાભરની પ્રજાઓની અને લોકશાસનની રક્ષા કરવાના મૂળ યુદ્ધહેતુ પર તેમને ફરી પાછા ઊભવું જ પડશે. જે રાક્ષસી તૈયારીઓ આ લડાઈને અંગે થઈ છે તે જોતાં એમાં ઊતરનારા પક્ષોને કદાચ તેમણે ધાર્યું હશે તે કરતાં ઘણાં વધુ વિશાળ નૈતિક કારણો અને હેતુઓ અપનાવવાની ફરજ પડશે. તેથી તે કદાચ નૈતિક મુદ્દાઓના પડ ઉપર જ લડાઈનો આખરી નિર્ણય થાય એમ બને. ગમે તેમ થાઓ પણ મહાસભા, જેણે સ્વેચ્છાપૂર્વક શસ્ત્રસંન્યાસ કર્યો છે અને શાંતિ તેમ જ અહિંસાનો માર્ગ ગ્રહણ કર્યો છે, તે આ નૈતિક મુદ્દાને જ મોખરે આણવામાં રોકાયેલી છે. અને જો તે ધીરજ રાખી શકશે તો સંભવ છે કે આ નૈતિક મુદ્દાની ચોખવટ કરાવવાનો એનો એવો એકધારો આગ્રહ જ ઝઝૂમી રહેલા માનવસંહારને અટકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે. રાજાઓના પ્રશ્નની સ્પષ્ટ સમજ એ આ નૈતિક મુદ્દાની ચોખવટનો એક મોટો અંશ છે. રાજાઓને અને તેમના સલાહકારોને તેમ જ અલબત્ત બ્રિટિશ મુત્સદ્દીઓને પણ જૂના મનોગ્રહ છોડીને અને નિષ્પક્ષપણે આ પ્રશ્ન તપાસવા અને વિચારવાને હું નોતરું છું.

સેવાગ્રામ, ૧૧-૧૨–૩૯
હરિજનબંધુ, ૧૭–૧૨–૧૯૩૯