પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

મહાસભાની કૃતિ છે ખરો, પણ તેને રાજ્યપ્રકરણની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ પારમાર્થિક અને આર્થિક સંસ્થા છે. એવી સંસ્થાની મારફત બે કામ ન લઈ શકાય. પ્રજામંડળને માટે નોખી નીતિ છે, પરિણામ એક જ છે. પ્રજામંડળો મુસીબતોનો સામનો કરીને પોતાનું કામ કરે છે. તેના પર મહાસભાના સભ્ય બનાવવોનો બોજો લાદવામાં હું ભારે જોખમ જોઉં છું. જો સભ્ય ન બનાવી શકાય તો સહકાર કેમ આપી શકાય ? સહકારનો અર્થ માનસિક સહાનુભૂતિ હોય તો તો તે મળશે જ. ત્રણે સંસ્થાઓના કાર્યક્ષેત્ર અંકાયેલાં છે. પોતપોતાના સાચા કામથી જ તેઓ એકબીજાને મદદ આપી શકે. એમ કરવું છે પણ સ્વાભાવિક. એક ભાવના ત્રણેને પ્રેરી રહી છે. મહાસભા રાજ્યપ્રકરણમાં સફળ થાય તો ચરખા સંઘને અને પ્રજામંડળોને એ સફળતાથી લાભ થયા વિના નહીં રહે. એ રીતે ચરખાસંઘની સફળતાથી મહાસભાની સેવા થાય જ છે. એક પણ પ્રજામંડળ તેના કામમાં સફળ થાય તો તેટલે અંશે મહાસભાને અવશ્ય બળ મળશે. પણ જો તે પોતાના ક્ષેત્રથી બહાર જાય તો નુકસાન થવાનો સાંભવ છે.

સેવાગ્રામ, ૯–૯-૪૦
હરિજનબંધુ, ૧૪-૯-૧૯૪૦