પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

સમજદાર એવાં મતદારમંડળો દ્વારા થતો હશે. એનો અર્થ એ પણ થયો કે કોમી અને બીજા કુસંપોનું યોગ્ય અને કાયમનું દફન થયું હશે.

પણ આવું ન બને એમ સંભવે. અત્યારે કશું આશાદાયક ચિહ્ન નથી. પણ હું શ્રદ્ધાળુ માણસ છું. અને શ્રદ્ધાની આંખને બધું જ શક્ય દેખાય છે. પણ ધારો કે બધું જ અવળું ઊતરે અને ભૂંડામાં ભૂંડી દશા થાય ને દેશમાં અંધાધૂંધી ફેલાય તો ઈશ્વરસાક્ષીએ હું તો એટલું જ કહી શકું છું કે હું એ વેળા આ કે તે એવી પસંદગી કરવા જીવતો નહિ હોઉં. એ અંધાધૂંધીની જ્વાળાને મારા નાનકડા કંપતા હાથથી ઓલવવાના વ્યર્થ પ્રયત્ન કરતાં કરતાં જ હું મરીશ. પણ જો તમે મને અત્યારથી જ એમ પૂછો કે એક બાજુ એવી અધાધૂંધી અને બીજી બાજુ બ્રિટિશ અથવા બીજી કોઈ વ્યવસ્થિત વિદેશી હકૂમતની સત્તા બેની વચ્ચે હું કોને વધુ પસંદ કરું, તો હું વગર આનાકાનીએ પેલી અંધાધૂંધીને જ પસંદ કરીશ — અગર કહો કે નાના મોટા ખંડિયા બનેલા રાજાઓના કે સરહદની મુસ્લિમ કોમોના ટેકાથી બધાના સરદાર બની બેઠેલા નિઝામની સત્તાને કબૂલ કરીશ. એવી સત્તા પણ મારે હિસાબે તો સોયે સો ટકા દેશી લેખાશે. ગમે તેવું પણ એ ‘હોમરૂલ’ (ઘરનું રાજ) હશે, જોકે સ્વરાજથી તો એ દૂર, સુદૂર જ હશે. પણ સાથેસાથે એટલું પણ હું ફરી કહી દઉં કે, જોકે તાત્ત્વિક દલીલરૂપે આ બધું હું લખી શકું છું, છતાં જો સાચે જ એવી સ્થિતિ મારી સામે આવીને ઊભે તો મારી પસંદગીમાં તે પ્રજાની જ ખાતર અને પ્રજાને હાથે ચાલનારું પ્રજાશાસન અને કાં તો મૃત્યુ એ બેની વચ્ચે જ થશે. પ્રથમ ગણાવ્યું તે