પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૩
હૈદરાબાદ

પ્રજાશાસન એટલે જ નિર્ભેળ અહિંસાનું શાસન. હવે તમે સમજ્યા હશો કે મારી અહિંસા રૂના પોલ જેવી પોચી નથી પણ ‘વજ્રથીય વધુ કઠણ છતાં ફૂલથીયે કુમળી’ છે. એની ઉપમા એ પોતે જ છે; બીજી ઉપમા જ એને સારુ નથી.

તો પછી તમે મને સહેજે પૂછશો કે મારી આ વ્યવસ્થામાં રાજાઓને સારુ કયું સ્થાન છે? અહિંસામાં રહેલી બધી વસ્તુઓ તમે પૂરેપૂરી સમજી ગયા હો તો આવો પ્રશ્ન તમારા મનમાં ન ઊઠવો જોઈએ. કારણકે શસ્ત્રના પીઠબળ વગરના એક મધ્યવર્તી સંગઠનની નૈતિક સત્તાને તાબે રહીને ચાલનારા રાજાઓ તે વખતે પ્રજાસેવકો તરીકે પ્રજામાં માનભર્યુંં સ્થાન પામશે. પોતાની ફરજો ખુશીથી અદા કરવામાં રહેલા કુદરતી હક સિવાય કોઈ ને કશા હક નહિ હોય. એટલે આલા હજરત નિઝામ તે વખતે લોકોના પસંદ કરેલા પ્રજાસેવક જ હશે. માત્ર તે વખતે એમની પ્રજામાં મને કમને એમની આજની સરહદમાં વસતી પ્રજાની જ ગણના નહિ થાય, પણ કદાચ આખા હિંદની પ્રજાની પણ ગણના થાય. આને સ્વપ્નસૃષ્ટિ તરીકે ન ગણી કાઢતા. હું મને વહેવારુ માણસ ગણાવું છું. જો મહાસભા પોતાની નીતિને વફાદાર રહેશે તો આજે હવાઈ તરંગ જેવું જણાતું હશે તે કાલ સવારે ભાવતું સત્ય નીવડે તો નવાઈ નહિ. મારી યોજનામાં માણસની બુદ્ધિને કે રચનાત્મક પ્રયત્નને વ્યર્થ નીવડવાપણું છે જ નહિ. આ અનુસધાનમાં નામાંકિત અંગ્રેજ લેખક એચ.જી. વેલ્સે મનુષ્યના અધિકાર વિષે મારા ઉપર મોકલેલા તારનો મેં જે જવાબ મોકલ્યો હતો તે અહીં ટાંકું: