પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૧
દેશી રાજ્યમાં સત્યાગ્રહ

એક ભાઈ લખે છે :

“હમણાં હમણાં ‘નવજીવન’માં પ્રગટ થતા લેખો ઉપરથી સામાન્ય વાચક એવો ધ્વનિ ઉપજાવે છે કે આપ દેશી રાજ્યમાં સત્યાગ્રહથી વિરુદ્ધ છો…… સત્યાગ્રહ તો સર્વવ્યાપી હોય. તેને દિશા કે કાળનું બંધન ન હોય.”

મારા લેખમાંથી એવો ધ્વનિ નીકળતો લાગ્યો હોય તો હું દિલગીર છું. સત્યાગ્રહને મર્યાદા માત્ર સત્યની અને અહિંસાની જ હોય. જ્યાં તે જોડી હોય ત્યાં સત્યાગ્રહ હમેશાં થઈ શકે. એ જ દૃષ્ટિએ વિચારતાં મારાં લખાણોમાં ક્યાંયે વિરોધ ન હોય એમ હું માનું છું.

હિંદમાં સ્વરાજ મેળવવાને સારુ દેશી રાજ્યમાં સત્યાગ્રહ ન હોઈ શકે. દેશી રાજ્યમાં સ્થાનિક પ્રશ્નોને અંગે હોઈ શકે. પણ જરાયે અસત્યનો અંશ હોય તો ત્યાં કે બીજે ક્યાંયે સત્યાગ્રહ ન થાય. વસ્તુ સત્ય હોય છતાં જે શાન્તિ ન જાળવી શકે, જે ક્રોધી હોય, જે સત્ય બોલતાં સંકોચ રાખે, જે દુઃખ સહન કરવા તૈયાર ન હોય, તે સત્યાગ્રહ ન આદરી શકે.

સામાન્ય દૃષ્ટિએ જોતાં હાલ આખા દેશનો વાયુ સત્યાગ્રહને પ્રતિકૂળ જોઉ છું. અદેખાઈ, જૂઠ, અશાન્તિ વગેરે ખૂબ વધ્યાં છે. સત્યાગ્રહનો અર્થ વિરોધીની કનડગત જ થઈ