પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
શી આશાએ?

હરિજનોને જગ્યા મળી હશે ત્યાં જ પ્રમુખને પણ જગ્યા આપવી જોઈશે અને પ્રમુખ ત્યાં બેસીને હર્ષ માનશે. હિન્દુધર્મમાં અસ્પૃશ્યતા નથી. જે ધર્મમાં અસ્પૃશ્યતા હોય તે ધર્મ નથી પણ અધર્મ છે એવો મારો દૃઢ વિશ્વાસ છે. મનુષ્ય બીજા મનુષ્યનો સ્પર્શ કરી અભડાતો નથી, પણ પોતામાં રહેલી મેલી વૃત્તિઓનો સ્પર્શ કરી, તેને પોષીને જ અભડાય છે.

પણ આ વાતને રાજકીય પરિષદ સાથે શો સબંધ છે એમ રાજકીય પરિષદના સભ્યો વિચારતા હોવા જોઈએ. હું ઘણી વેળા જણાવી ગયો છું કે રાજકીય, સામાજિક ને ધાર્મિક એવી ત્રણ નોખી નોખી વસ્તુ નથી, પણ એ ત્રણેને પરસ્પર સબંધ છે. ‘રાજકીય’ શબ્દ રાજા પ્રજાનો સંબંધ સૂચવનારો છે; ‘સામાજિક’ સમાજની આંતરવ્યવસ્થાનો સૂચક છે, ‘ધાર્મિક’ વ્યક્તિના કર્તવ્યનો સૂચક શબ્દ છે. પણ ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ એ ન્યાયે જે વ્યક્તિનું તે સમાજનું, જે સમાજનું તે રાજા પ્રજાનું. જ્યાં ધર્મ નથી ત્યાં જય નથી પણ ક્ષય છે. ભલે તે જયાભાસ હોય, પણ તે ઝાંઝવાનાં નીર સમ જાણવો. જેવી પ્રજા તેવા રાજા, ને જેવી વ્યક્તિ તેવી પ્રજા. બધાંનું મૂળ વ્યક્તિ છે. તે વ્યક્તિની હસ્તી કેવળ ધર્મ ઉપર નિર્ભર છે. તેથી જ ‘જ્યાં ધર્મ ત્યાં જય’ એમ ઋષિમુનિઓએ ગાયું છે.

પરિષદમાં રાજા પ્રજા વચ્ચેના સંબંધનો વિચાર આપણે જરૂર કરીશું; પણ સમાજના કર્તવ્યનો વિચાર સ્પષ્ટ રીતે કર્યા વિના રાજા પ્રજાના ધર્મનો સુવિચાર હું અશક્ય માનું છું.

નવજીવન, ૭–૧૨–૧૯૨૪