પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૩
કાઠિયાવાડીઓને

મને સંજોગો કાઠિયાવાડ લઈ જાય છે. કાઠિયાવાડીઓનો પ્રેમ હું સમજું છું, ઓળખું છું. પણ મારે તો કામ જોઈએ. મારી પદ્ધતિમાં તો અત્યારના કેળવાયેલા વર્ગની પદ્ધતિમાં હું ભેદ જોઈ રહ્યો છું. એ ભેદ છતાં મને પ્રમુખ બનાવવો એ હાસ્યજનક છે. મહાસભામાં મેં ઘડેલા ઠરાવો પાસ થયા છતાં ઘણા મને સંભળાવી રહ્યા છે કે એ ઠરાવોનો કોઈ અમલ કરવાનું નથી. આવી ભયંકર વાત હું કેમ માનું?

મારી પાસે જેમ મહાસભાને સારુ કંઈ નવી વાત ન હતી તેમ કાઠિયાવાડને સારુ પણ કદાચ નહિ હોય. સત્ય તો એ છે કે મારે કહેવાનું બધું કહેવાઈ ગયું છે. મારે તો જેમતેમ કરીને એની એ જ વાત કહેવાની રહી છે. મારું મન કેવળ ગરીબોમાં જ રહે છે. ભંગીને સારુ, મજૂરોને સારુ મારે તો સ્વરાજ જોઈએ છે. તે કઈ રીતે સુખી થાય એનું ચિંતન કરું છું. તેઓની કાંધ ઉપરથી આપણે ક્યારે ઊતરીશું ? મારે તેઓના હકની ને આપણી ફરજની વાત કરવી રહી, જ્યારે આપણને આપણા હકની લાગી રહી છે.

કાઠિયાવાડીને હું મારી વાત સમજાવી શકું તો કેવું સારું! એ કંઈ ન બનવા જેવું છે? મનુષ્ય આશાએ જીવે છે. તેમ જ મારું છે. કોક દિવસ તો હિંદુસ્તાનને મારી વાત સાંભળ્યે જ છૂટકો છે. કાઠિયાવાડ શરૂઆત ન કરે?