પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
કાઠિયાવાડીઓને


વ્યવસ્થાપકોએ મારે સારું વાતાવરણ તૈયાર કરવાનું હાથ લીધું છે. તે મને બધું ખાદીમય તો દેખાડશે જ. કાઠિયાવાડનાં કળાહુન્નર, કારીગરીનું પ્રદર્શન રાખશે જ. બેલગામમાં કેવું સુંદર પ્રદર્શન હતું ! કાઠિયાવાડમાં ક્યાં ઓછી કળા છે ? કાઠિયાવાડની વનસ્પતિમાં શું નથી? કાઠિયાવાડનાં ગાય બળદ કેવાં રૂપાળાં છે ? તેઓનાં દર્શન થશે કે? હું પશ્ચિમનો મહિમા જોવા નથી જતો. તે તો મેં પશ્ચિમમાં બહુ જોયો છે. પણ દેશનિકાલ થયેલો હું તો દેશી વસ્તુઓનાં સ્મરણ કરું છું, તે જોવા ઇચ્છું છું.

કાઠિયાવાડનો પ્રસિદ્ધ વિવેક તો છે જ. વિવેકની ભાદરમાં વખત ન તણાઈ જાય એવી સંભાળ રાખવા સ્વાગત સમિતિને ભારી પ્રાર્થના છે. કાળને મર્યાદા નથી પણ મનુષ્યદેહને તો છે. આ ક્ષણભંગુર પદાર્થોની સહાયતાથી આપણે અનેક કામો લેવાં છે તેથી પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો ઘટે છે.

તેથી દરેક કાર્ય આપણે વખતસર કરી શકીએ એવી કાળજી કાર્યવાહકો રાખે એમ ઇચ્છું છું. જે જે ઠરાવો પરિષદ આગળ મૂકવાની આવશ્યકતા લાગે તે ઘડીને તૈયાર રાખ્યા હશે, તો આપણે તેની ઉપર પુષ્કળ વિચાર કરી શકીશું. વિષયવિચારિણી સમિતિને સારુ પૂરતો વખત રાખવા મારી ભલામણ છે. ઠરાવો ઘડવામાં જો પોતાના ધર્મો ઉપર વધારે ધ્યાન રાખ્યું હશે તો આપણે વહેલા સફળ થઈશું એમ વિચારી ઠરાવો ઘડાઓ એમ હું ઈચ્છું છું.

વખત બચાવવાનો એક રસ્તો તો હું સૂચવી દઉં. સ્વાગત હૃદયથી કરો. એટલે તમને જણાઈ રહેશે કે બાહ્ય સ્વાગતની કશી જરૂર નહી રહે. સરઘસ ઇત્યાદિમાં વખત લેવો એ જે