પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૪
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

[ભાવનગર ખાતે તા. ૮–૧–૨૫ ને રોજ મળેલી ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં ગાંધીજીએ પ્રમુખ તરીકે આપેલું ભાષણ]

મિત્રો,

કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રમુખપદ સ્વીકારવાનું મને હું જેલમાં ગયો તેની પૂર્વે સૂચવવામાં આવ્યું હતું. તે વેળા એ માનનો બોજો ઉપાડવાના મેં ઇનકાર કર્યો હતો. ઇનકારનાં કારણ આ સમયે મોજૂદ ન હોવાથી મેં પ્રમુખ થવાનું માન સ્વીકાર્યું છે ખરું, પણ ભય વિના નહિ. ભય એટલા સારુ કે રાજ્યપ્રકરણી પ્રશ્નો વિષે સામાન્ય વિચારોથી મારા વિચારોની ભિન્નતા રહેલી જોઉ છું. વળી આ વર્ષને સારુ મહાસભાનું પ્રમુખપદ મારે હસ્તક છે, એ મારે સારુ જરા કફોડી વસ્તુ છે. એ એક જ બોજો મારા ગજા ઉપરવટ માનું છું. તેમાં આ પરિષદનો બોજો ઊચકવો એ બહુ વધારે પડતું થઈ પડે. આ પરિષદનું સુકાન અત્યારે હું ચલાવું તેનો અર્થ જો એ થતો હોય કે આખા વર્ષ સુધી મારે એ જવાબદારી ભોગવવાની છે, તો તો મારાથી એ બોજો ઊચકાય તેવું મુદ્દલ નથી. વળી હું મહાસભાનો સુકાની રહ્યો તેથી જે વિચારો હું આ પરિષદના પ્રમુખ તરીકે જાહેર કરું તે મહાસભાના હોય એવો