પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

કરી પ્રજાને બહુ નુકસાન પહોંચાડ્યું છે એવો મારો વિશ્વાસ છે. ગમે તેવી સ્થિતિમાં પણ ખોબા જેટલા અંગ્રેજોએ પોતાની સત્તા આ મુલકમાં ટકાવવી એ નીતિસર છે એમ આપણે સ્વીકારીએ તો અંગ્રેજી મહેસૂલ પદ્ધતિનો કંઈક બચાવ થાય છે. દેશી રાજાને એવો સિદ્ધાંત મનાવવાની આવશ્યકતા સરખી નથી. તેને પોતાની હસ્તીને વિષે પ્રજા તરફનો ભય નથી. તેને મોટા લશ્કરની જરૂર નથી; કોઈ પણ રાજ્યની પાસે તે નથી, ને બ્રિટિશ રાજનીતિ તે થવા દે એવું નથી. છતાં પ્રજા પાસેથી તેની શક્તિ ઉપરાંત કર ઉઘરાવવાની પ્રથા પડી ગયેલી છે એ પ્રજાને ખૂંચે છે. લોકકલ્યાણના કાર્યને જ અર્થે મહેસૂલ હોય એવી આપણી પુરાણી પરંપરા છે. તેનો હું ચોમેર ત્યાગ જ જોઈ રહ્યો છું. આ જોઈ ને મને દુઃખ થાય છે.

આબકારી

મહેસૂલ વધારવાને સારુ અંગ્રેજી આબકારી ખાતાનું અનુકરણ દુઃખદાયક છે. એમ કહેવાય છે કે આબકારી ખાતું તો હિંદુસ્તાનનો પ્રાચીન રોગ છે. મને એ વાત માન્ય નથી. પ્રાચીન કાળમાં રાજાઓએ મદ્યાદિના વેપારમાંથી મહેસૂલ ભલે ઉઘરાવ્યું હોય, પણ તેઓએ લોકોને આજની પેઠે મદ્યપી નહોતા બનાવી દીધા. પણ આવી મારી માન્યતા ભલે ભૂલભરેલી હોય, આબકારી ખાતું જેવું આજે છે તેવું પ્રાચીનકાળથી હો; પ્રાચીન એટલું સારું જ એવો મોહ મને નથી. હિંદુસ્તાની તેટલું સારું જ એવો મોહ પણ મને નથી. મદિરા, અફીણ, ઇત્યાદિ કેફી વસ્તુઓ આત્માને મૂર્છિત બનાવે છે, મનુષ્યને હેવાન કરતાં પણ હલકો કરી મૂકે છે, એ આપણે નજરે જોઈએ