પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

તેનો દસમો હિસ્સો પોતાના પોશાકમાં ખર્ચે છે. તેથી સેંકડે દસ રૂપિયાનું ખરચ આપણે આપણા દેશમાં પોતપોતામાં કરવાને બદલે પરદેશની અને આપણી મિલોમાં કરીએ છીએ. એટલે કે આપણે તેટલી મહેનત ખોઈએ છીએ ને તે ખોટની સાથે આપણે કપડાંનું ખરચ કરીએ છીએ ને પરિણામે બેવડો માર ખમીએ છીએ. ફળ એ મળ્યું છે કે આપણા ખોરાકમાંથી ખર્ચ બચાવી આપણે તે કપડાંમાં નાંખીએ છીએ. તેથી આપણે દિવસે દિવસે કંગાલ થતા જઈએ છીએ. ખેતી અને કંતામણ ને વણાટ એ બે ધંધા આપણા ઘરમાં કે ગામમાં ન રહે તો આપણો નાશ જ સંભવે છે. ભાવનગર તાબાનાં બધાં ગામ જો પોતાનાં કપડાં ને ખોરાક ભાવનગરથી મંગાવે તો કેવું પરિણામ આવે એ વિચાર પરિષદના સભ્યોને જ સોંપું છું. આમ છતાં અત્યારે આપણે કપડાં વિષે એવો વિપરીત વહેવાર ચલાવીએ છીએ. આપણાં કપડાં આપણે કાં તો પરદેશથી મંગાવીએ છીએ અથવા તો આપણી મિલેામાંથી. બન્ને સ્થિતિમાં આપણાં ગામડાંની પ્રજા ક્ષીણ થતી જાય છે.

બીજા દેશોમાં કપડાં બહારથી મંગાવતા છતાં તેઓની આર્થિક હાનિ નથી થતી એવા દાખલાઓથી આપણે ન ભોળવાઈએ. બીજા દેશોમાં લોકો કાંતવાવણવાનો ધંધો છોડે છે તો તેને બદલે બીજો વધારે કમાણીવાળો ઉદ્યમ કરે છે. આપણે કતાણવણાટ છોડી નકામા બેસીએ છીએ.

આ સ્થિતિમાંથી મુક્ત થવું એ કાઠિયાવાડને બહુ સહેલું છે. આપણા રાજાઓ રૈયતવર્ગને ઉત્તેજન આપી, પોતે દૃષ્ટાંત બેસાડી કાઠિયાવાડમાં ખાદીનો પુનરુદ્ધાર કરી શકે છે ને કાઠિયાવાડમાં વધતી જતી કંગાલિયત રોકી શકે છે. કાઠિયાવાડમાં