પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

મિલો ને જિનો થાય તેમાં હું કાઠિયાવાડની ઉન્નતિ નથી જોતો પણ અવનતિ જોઉં છુ. કાઠિયાવાડની રૈયતના સામાન્ય વર્ગને કાઠિયાવાડ છોડવું પડે છે તે હું શુભ ચિહ્ન નથી માનતો. થોડા સાહસિક કાઠિયાવાડી વધારે ધનલાભ સારુ કાઠિયાવાડ છોડે એ આવકારલાયક હોય, પણ લોક કંગાલ બને તેથી લાચારીએ દેશત્યાગ કરે એ ખેદકારક ને કાઠિયાવાડનાં રાજ્યોને સારુ નામોશીભરેલું ગણાય. હું પરદેશમાં રહેલો જ્યારે કાઠિયાવાડમાં આવું છું ત્યારે લોકોમાં તેજવૃદ્ધિને બદલે તેજહાનિ જોઉં છું.

આજકાલ હાથે કાંતવાની ને હાથે વણવાની કળા વધારે ખીલતી જાય છે; ખાદીનો મહિમા વધતો જાય છે. શું તેમાં રાજાઓ અને મહારાજાઓ મદદ ન કરે ? તેઓ ખેડૂતોને કેળવે, કાઠિયાવાડની હાજત પૂરતું રૂ બચાવે, તે પોતે ખાદી પહેરી ખાદીનો પ્રચાર કરે એ તેમને શોભાવનારું જ થશે. ખાદીમાત્ર જાડી હોવાની જરૂર નથી. રાજાઓ હાથકંતામણ ને વણાટને ઉત્તેજન આપી વણાટમાં થતી અનેક કળાકારીગીરીને પાછી જીવતી કરી શકે છે. રાણીસાહેબો સુંદર, રંગીન, ઘૂઘરીદાર રેંટિયા ઉપર ઝીણું રૂ કાંતી તેની શબનમ ખાદી વણાવી તે વડે સુશોભિત અને સુરક્ષિત રહે. કાઠિયાવાડમાં અનેક જાતની ભાતો વણાતી મેં નજરે જોયેલી છે. એ કળાનો હવે લગભગ અંત થયો છે. આવી કળાને ઉત્તેજન આપવું એ રાજાઓનું ખાસ ક્ષેત્ર છે.

અસ્પૃશ્યતા

બીજો અતિશય અગત્યનો વિષય અસ્પૃશ્યતા છે. હરિજન વર્ગને મહાગુજરાતના બીજા ભાગો કરતાં કાઠિયાવાડમાં