પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

વધારે ખમવુ પડે છે. તેઓને રેલગાડીમાં પણ દુઃખ દેવામાં આવે છે. રાજાઓ પરદુઃખભજન ગણાય છે; તેઓ તો દુર્બળનું બળ હોવા જોઈએ. તેઓ હરિજનોની વહારે નહિ ધાય ? રાજા પ્રજાની આશિષે જીવે છે. હરિજનોની આશિષના અધિકારી થઈ તે પોતાના જીવનને સુશોભિત ન કરે? શાસ્ત્ર તો પોકારીને કહે છે કે, બ્રાહ્મણ અને ભંગી વચ્ચે ભેદ ન હોય. બન્નેને આત્મા છે, બન્નેને પાંચ ઇંદ્રિય છે, બન્નેને આહારનિદ્રાદિ સામાન્ય છે. રાજાઓ ઇચ્છે તો હરિજનોની હાલતમાં બહુ સુધારો કરી શકે છે, તે પોતે હરિજનોને ધાર્મિક ભાવથી સ્પર્શ કરી અસ્પૃશ્યતાને નિર્મૂળ કરી શકે છે. હરિજનોને સારુ સુંદર નિશાળો, કૂવા વગેરે કરાવી તેમના હૃદયના સ્વામી બની શકે છે.

ટીકાનો બચાવ

દેશી રાજ્યોની ટીકા કરવી મને પસંદ નથી. તેમની સાથેનો ગાંધી કુટુંબનો સબંધ ત્રણ પેઢીથી ચાલતો આવેલો મારી જાણમાં છે. ત્રણ રાજ્યેાની દીવાનગીરીનો સાક્ષી હું પોતે રહ્યો છું. મારા પિતાશ્રી અને મારા કાકાશ્રીનો સબંધ તે તે રાજ્યો સાથે મીઠો હતો એ મને યાદ છે. મનુષ્ય વિવેકહીન નથી એવો મારો વિશ્વાસ છે. એટલે હું દેશી રાજ્યોના ગુણો જ જોવા ઇચ્છું છું. દેશી રાજ્યોનો હું નાશ નથી ઇચ્છતો એમ અગાઉ લખી ગયો છું. દેશી રાજ્યોથી ઘણું લોકહિત થઈ શકે એમ હું માનું છું, અને જો અહીં હું ટીકામાં ઊતર્યો છું તો તે કેવળ રાજાપ્રજાના હિતાર્થે છે. મારો ધર્મ સત્ય અને અહિંસાનો છે, સત્ય મારો પરમેશ્વર છે.