પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

રહેતા. દુશ્મનને પણ દગો ન દેવાય, તેને પણ શુદ્ધ ન્યાય આપવો જોઈએ, એ તેઓનો સિદ્ધાંત હતો.

પ્રજા પ્રત્યે

રાજવંશીઓને વિષે એ શબ્દ લખી મારું ઋણ મેં અદા કર્યું છે એવો મારો નમ્ર મત છે. હવે પ્રજા પ્રત્યેનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરું. જેવા રાજા તેવી પ્રજા એ લોકવાક્યમાં અર્ધસત્ય છે. એટલે કે એ કથન જેટલે અંશે ખરું છે તેટલે જ અંશે ‘જેવી પ્રજા તેવા રાજા’ એ કથન પણ ખરું છે. જ્યાં પ્રજા જાગ્રત છે ત્યાં રાજાની હસ્તી કેવળ પ્રજા ઉપર આધાર રાખે છે. જ્યાં પ્રજા ઊંઘતી છે ત્યાં રાજા રક્ષક મટી ભક્ષક થઈ જવાનો પૂરો સંભવ રહે છે. ઊંઘતી પ્રજાને રાજાનો દોષ કાઢવાનો અધિકાર નથી. રાજાને પ્રજા બન્ને સંજોગોને વશ હોય છે. સાહસિક રાજા પ્રજા સંજોગોને વશ કરે છે. સંજોગોને વશ કરી રહેવું તેનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થહીનનો નાશ છે, અને તે યથાર્થ છે. આ સિદ્ધાંત સમજે તે ધીરજ ન છોડે, તે દૈવને દોષ ન દે, તે પારકાને દોષ ન દે, તે પોતાના જ દોષ કાઢે ને જુએ. આ સિદ્ધાંતને આધારે હું હિંસા અથવા બળાત્કારનો વિરોધ કરું છું. દોષનું કારણ જ્યારે પોતામાં છે ત્યારે પારકામાં દોષારાપણ કરી તેનો નાશ ઇચ્છવો કે કરવો તેથી કારણ દૂર નથી થતું એટલું જ નહિં, પણ કારણ જડ ઘાલે છે ને રોગ વધતો જાય છે.

સત્યાગ્રહ

રાજવંશીઓની જે જે ખામીઓ ઉપર હું નજર ફેરવી ગયો છું તે તે ખામીઓનું કારણ જેટલે અંશે રાજાઓ પાતે