પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
દેશી રાજ્યોનો પ્રશ્ન


એક અમેરિકન લેખકે લખ્યું છે કે, હવેનો યુગ અંગમહેનતનો છે. મૂઢ યંત્રના ગુણાકારથી યંત્રને પૂજતી પ્રજા થાકવા લાગી છે. આપણે શરીરરૂપી અદ્વિતીય યંત્રને છોડી મૂઢ યંત્રની પાસેથી કામ લેવા જવામાં શરીરયંત્રનો નાશ કરી રહ્યા છીએ. શરીરની પાસેથી સંપૂર્ણ ઉપયેાગ લેવો એ ઈશ્વરી કાયદો છે. તેને આપણે ભૂલી જ નથી શકતા. રેંટિયો એ શરીરયજ્ઞનું માંગલિક ચિહ્ન છે. એ યજ્ઞ કર્યા વિના જે જમે છે તે ચોરીનું અન્ન ખાય છે, એ યજ્ઞનો ત્યાગ કરી આપણે દેશદ્રોહી બન્યા; આપણે લક્ષ્મીદેવીને દેશનિકાલ કરી. હિંદુસ્તાનમાં જેના શરીરમાં છેક હાડકાં ને ચામડાં જ રહી ગયાં છે એવાં અસંખ્ય સ્ત્રીપુરુષો આ વાતનો પુરાવા આપે છે. મને વંદ્ય એવા શ્રીનિવાસ શાસ્ત્રિયાર કહે છે કે, હું તો પ્રજાની પોશાકની પસંદગીમાં પણ દખલ દેવા માગું છું. આ વાત તદ્દન ખરી છે. દરેક સેવકનો તેમ કરવાનો ધર્મ છે. પ્રજા પાટલૂન પહેરતી થઈ જાય તો હું તેની સામે મારો અવાજ ઉઠાવું. આપણી હવાને પાટલૂન અનુકૂળ નથી એ હું જોઈ રહ્યો છું. પ્રજા પરદેશી કાપડનો ઉપયોગ કરે છે તેની સામે અવાજ ઉઠાવવાનો હિન્દીમાત્રનો ધર્મ છે. એ અવાજ વાસ્તવિક રીતે કાપડના પરદેશી હોવા સામે નથી, પણ તેથી ઉત્પન્ન થતી કંગાલિયત સામે છે. જો પ્રજા પોતાની જારબાજરી છોડી સ્કૉટલૅંડથી ઓટ મંગાવે અથવા રશિયાથી રાઈ *[૧] મંગાવે તો હું જરૂર પ્રજાના રસોડામાં દખલ દઉંં, ને પ્રજાને પેટ ભરીને નિંદુ, ને તેને દ્વારે બેસી લાંઘણ કરી મારો


  1. * રશિયામાં નીપજતું બંટીને મળતું ધાન્ય