પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

આર્તનાદ સંભળાવું. એવું ઇતિહાસમાં બન્યું પણ છે. યુરોપના ગયા રાક્ષસી યુદ્ધમાં પ્રજાને અમુક પાક નિપજાવવાની ફરજ પાડવામાં આવી હતી. પ્રજાનાં ખાનપાનાદિ ઉપર રાજ્યનો અંકુશ વર્તાતો હતો.

જેને ગામડાંની સેવા કરવી છે તેને રેંટિયાશાસ્ત્રનો અભ્યાસ કર્યે જ છૂટકો છે. આ કાર્યમાં સેંકડો બલ્કે હજારો યુવકો ને યુવતીઓ પાતાની આજીવિકા પેદા કરી શકે છે ને તેનો બેવડા અવેજ વાળી શકે છે. તેમાં સંગઠન રહેલું છે. તેમાં દરેક ગામડિયાની ઓળખ રહેલી છે. તેમાં ગામડિયાને સહેજે અર્થશાસ્ત્રનું, રાજ્યપ્રકરણનું જ્ઞાન આપવાનું રહ્યું છે. તેમાં બાળકોની શુદ્ધ કેળવણીનો સમાવેશ થાય છે. અને આ કાર્ય કરતાં ગામડાંની અનેક હાજતો, ખામીઓ વગેરેનું જ્ઞાન થાય તેમ છે.

આ ખાદીના કાર્યમાં કોઈ રાજા પ્રજા વચ્ચે વિરોધ થવાનો સંભવ નથી એટલું જ નહિ, પણ બન્નેનો સંબંધ મીઠો થવાની આશા રાખી શકાય. એ આશાનું ફળીભૂત થવું સેવકની વિવેકબુદ્ધિ ઉપર આધાર રાખે. તેથી રેંટિયાને પ્રધાન પદ આપવાનું આ રાજકીય પરિષદને કહેતાં હું નથી લજવાતો, નથી અચકાતો.

એ જ પ્રમાણે અસ્પૃશ્યતાનું કામ છે. અસ્પૃશ્યતા દૂર કરવી એ હિંદુમાત્રનું પરમ કર્તવ્ય છે. આમાં પણ કોઈ રાજા વચ્ચે ન જ પડે. હરિજનની સેવા કરી, તેની આંતરડીની દુવા લઈ, હિંદુ આત્મશુદ્ધિ કરે તેમાંથી ચમત્કારિક શક્તિ પેદા થાય એવી મારી દૃઢ માન્યતા છે. અસ્પૃશ્યતા એ હિંદુધર્મ ઉપર મહાન કલંક છે. તે કલંકને કાઢવું આવશ્યક છે. એ કાર્ય