પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

કરતાં પણ સેવક પ્રજાની સાથે પ્રેમની ગાંઠ બાંધશે. જે હિંદુ હરિજનની સેવા કરશે તે હિંદુધર્મનો તારક થશે ને હરિજન ભાઈબહેનોનાં હૃદયનો સમ્રાટ બનશે.

રાજ્ય બે પ્રકારનાં છે. એક દંડના ભયથી મળે, બીજું પ્રેમના મંત્રથી સધાય છે. પ્રેમમંત્રથી સધાયેલું રાજ્ય દંડના ભયથી પ્રાપ્ત થયેલા રાજ્ય કરતાં હજારોગણું વધારે અસરકારક ને સ્થાયી છે. જ્યારે આ રાજકીય પરિષદના સભ્યો આવી સેવા કરી તૈયાર થશે ત્યારે તેમને પ્રજાની વતી બોલવાનો અધિકાર મળશે ને ત્યારે પ્રજામતની સામે કોઈ પણ રાજાનું થવું અશક્ય થઈ પડશે. ત્યારે જ પ્રજાનો અસહકાર સંભવી શકે.

પણ રાજાઓ વિષે મારો એવો વિશ્વાસ છે કે તેઓ આવા ધાર્મિક પ્રજામતને તુરત ઓળખી જશે. આખરે રાજાઓ પણ હિંદી જ છે. તેમને આ જ દેશ સર્વસ્વ છે. તેમનું હૃદય પીગળી શકે એમ છે. તેમની પાસેથી લોકસેવા લેવી હું સહજ કાર્ય સમજું છું. આપણે ખરો પ્રયત્ન નથી કર્યો. આપણે ઉતાવળિયા થયા છીએ. આપણી શુદ્ધ તૈયારીમાં આપણો વિજય — રાજા પ્રજા ઉભયનો વિજય છે.

હિન્દુ-મુસલમાન

ત્રીજો પ્રશ્ન હિન્દુ-મુસલમાન ઐક્યનો છે. મારી પાસે કાઠિયાવાડના એક બે પત્રો આવ્યા છે તે ઉપરથી જણાય છે કે આ પ્રશ્ન કાઠિયાવાડમાં પણ ધૂંધવાઈ રહ્યો છે. હિન્દુ-મુસલમાન વચ્ચે એકસંપ હોવો જ જોઈએ એ વિષે કંઈ કહેવાની જરૂર હોય નહિ. સેવકમાત્ર પ્રજાનું અંગ ભૂલી નથી શકતો.