પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ


મારું ક્ષેત્ર

હું જાણું છું કે મારું ભાષણ ઘણાને અધૂરું લાગશે, નીરસ પણ લાગશે. પણ હું મારા ક્ષેત્રની બહાર જઈ ને કંઈ વહેવારું કે ઉપયોગી સલાહ નહિ આપી શકું. મારું ક્ષેત્ર નિર્મિત થઈ ગયું છે. તે મને પ્રિય છે. હું અહિંસાના મંત્રથી મુગ્ધ થયો છું. મારે સારુ તે પારસમણિ છે. હું જાણું છું કે દુઃખથી તપ્ત હિન્દુસ્તાનને અહિંસાનો મંત્ર જ શાંતિ આપી શકે તેમ છે. મારી દૃષ્ટિએ અહિંસાનો માર્ગ કાયરનો કે નામર્દનો નથી. અહિંસામાં ક્ષત્રીધર્મની પરિસીમા છે; કેમકે તેમાં અભયની સોળે કળા સંપૂર્ણતાએ ખાલી નીકળે છે. તે ધર્મના પાલનમાં પલાયનને, હારને અવકાશ જ નથી. એ ધર્મ આત્માનો હોઈ દુઃસાધ્ય નથી. સમજે તેને તે સહેજે સ્ફુરી નીકળે છે. ભારતભૂમિને એ સિવાય બીજો ધર્મ અનુકૂળ આવનાર નથી એવો મને વિશ્વાસ છે. ભારતભૂમિને સારુ એ ધર્મનું નિશાન રેંટિયો છે. કેમકે તે જ દુખિયાનો વિસામો છે, તે જ કંગાલની કામધેનુ છે. પ્રેમધર્મને નથી દેશની, નથી કાળની મર્યાદા. તેથી મારું સ્વરાજ ભંગી, ઢેડ, દૂબળાં, ને અપંગમાં અપંગની નોંધ લે છે. રેંટિયા સિવાય તે નોંધ લેનારી બીજી વસ્તુ હું જાણતો નથી.

મેં તમારા સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી નથી. મને તેનું પૂરું જ્ઞાન નથી. દેશી રાજ્યોમાં કેવું તંત્ર જોઈએ એ પ્રશ્નમાં હું ઊતર્યો નથી કેમકે તેનું ઘડતર તમારા હાથમાં રહ્યું છે. પ્રજામાં શક્તિ આવે એવા ઇલાજો શોધવા ને યોજવા એ મારું ક્ષેત્ર છે, કેમકે પ્રજામાં શક્તિ આવે તો તે પોતાનો માર્ગ શોધી લે છે. રાજાને હું સેવકરાજ તરીકે જ સહન કરું