પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

છું. પ્રજા શેઠ છે. પણ શેઠ ઊંઘે તો સેવક શું કરે? તેથી પ્રજાજાગૃતિને સારું પ્રયત્ન કરવામાં બધું આવી જાય છે.

આવી મારી કલ્પના હોવાથી મારા કાલ્પનિક સ્વરાજમાં દેશી રાજ્યોને સ્થાન છે ને પ્રજાને પોતાના હકનું પૂર્ણ રક્ષણ છે. હકનું બીજ ફરજ છે. તેથી મેં આ ભાષણમાં બન્નેના ધર્મની જ, બન્નેની ફરજની જ નોંધ લીધી છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડી હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાનાં નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણે તેની દિવ્ય વાણીમાં ગાઈ બતાવી: ‘હે રાજા, કર્મનો જ તને અધિકાર છે; ફળનો કદી ન હજો.’ કર્મ તે ધમ છે; ફળ તે હક છે.

નવજીવન, ૮–૧–૧૯૨૫