પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
દેશી રાજ્યોનો પ્રશ્ન


આ રાજકીય પરિષદ છે, અને તમે રાજકીય વસ્તુની ચર્ચાની આશા રાખતા હશો. મારામાં તો ખેડૂતના ભાવ રહેલા છે. જોકે હું જન્મ્યો છું વણિક અને જોકે મારા પિતા અને પિતાના પિતા મુત્સદ્દીગીરી કરતા આવ્યા છે, છતાં મારામાં એ મુત્સદ્દીગીરી નથી, અથવા હોય તો હું લાચાર છું. પણ મારામાં એક બીજી વસ્તુ પણ છે — જે વારસામાં નથી મળેલી, પણ મેં મેળવેલી છે — તે ખેડૂતપણું, ભંગીપણું, ઢેડપણું — જે કાંઈ જગતનું ઉતારપણું કહેવાય છે એ મારામાં રહેલું છે. એવા મારા ખવાસ હોઈ હું ‘રાજકીય’નો અર્થ તમે કરો તેવો — મુત્સદ્દીગીરી — નહીં કરું. મારા જેવા ‘રાજકીય’ વિષયનો વિચાર કરતાં રાજ્યબંધારણનો વિચાર ન કરે, કારણ ખેડૂત ખેતરની દેખરેખ ભાષણોથી ન કરી શકે, કેવળ હળથી જ કરી શકે. ગમે તેટલા તાપતડકામાં પણ તેનાથી હળ ન છોડાય. વણાટનો ધંધો કરનાર પણ કેવળ ઉદ્યમ કરે તો જ પોતાનો ધંધો સાધી શકે. ‘રાજકીય’નો સામાન્ય અર્થ ભાષણો કરવાં, આંદોલનો કરવાં, રાજાની ખામીઓ જોવી. પણ મેં એથી ઊલટો જ અર્થ કર્યો છે. હિંદુસ્તાન બહારની મારી ૨૨ વર્ષની કારકિર્દીમાં પણ મેં એથી ઊલટો જ અર્થ કરેલો. પણ ડુંગર દૂરથી રળિયામણા લાગે, તેમ મને પણ લોકો રાજકારણી એટલે મુત્સદ્દી માનતા આવ્યા છે. મને મુત્સદ્દી કામ કરતાં આવડે છે, પણ મારું મુત્સદ્દીપણું બીજી જાતનું છે. તેમાં વિવેક અને પ્રેમ રહેલા છે, તેમાં ખટપટને સ્થાન નથી; અને ખટપટથી જેટલું કામ લેવાય છે તેના કરતાં વિવેક અને પ્રેમથી હજારોગણું કામ લેવાય છે. અને એમાં ખેડૂતના, ભંગીના, ઢેડના, સૌના હિતનો વિચાર આવી જાય છે. તમે