પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
કાઠિયાવાડ રાજકીય પરિષદ

જાણો છો કે મેં મહાસભા આગળ પણ ‘રાજ્યપ્રકરણ’ની આવી જ વ્યાખ્યા કરી હતી, અને તેમ કરતાં હું લજવાયો નહોતો. એ જ દૃષ્ટિએ ખાદીની વાતને મેં રાજકાજમાં સમાવેશ કર્યો છે. મારા દાવો છે કે મારી વાત ડાહી અને જ્ઞાનની છે, અને મને લાગે છે કે એક વખત તમે કહેશો કે ગાંધીએ રેંટિયાની કરેલી વાતમાં અતિશય ચતુરાઈ, જ્ઞાન અને ડહાપણ હતાં. આજે લોકો જ્યારે મને હસે છે અને કહે છે કે રેંટિયો એ ગાંધીનું રમકડું છે, ત્યારે મને દયા આવે છે; અને તે મને ગમે તેટલા હસશે તોપણ હું ખાદીની વાત છોડવાનો નથી.

હવે બીજી વાત ઉપર આવું છું. મારા અહીં આવવાની વાત થઈ, અને ‘નવજીવન’માં મેં જ્યારથી લખ્યું કે ઢેડોને જુદું સ્થાન આપશો તો મારે માટે તેમની વચ્ચે જ સ્થાન રાખવું પડશે, ત્યારથી ભાવનગરમાં ખળભળાટ મચી રહ્યો છે. કાઠિયાવાડમાં અસ્પૃશ્યતા શું છે તે મેં આંખે જોયેલું છે. મારી પૂજનીય માતા ભંગીને અડવામાં પાપ માનતી, પણ તેથી તેની સામે મને ઘૃણા નથી. પણ માબાપના કૂવામાં મારે નથી ડૂબી મરવું. મારાં માબાપે તો મને સ્વતંત્રતાનો વારસો આપેલો છે. અને આજે હું તેમના વિચારોથી ઊલટા વિચાર કરું છું, તોપણ મને તો ખાતરી છે કે મારી માતાનો આત્મા કહેશે, ‘ધન્ય છે દીકરા, તને ધન્ય છે.’ કારણ તેણે મને આપેલી પ્રતિજ્ઞાઓમાં કોઈને અડવામાં પાપ છે એ વસ્તુ નહોતી. તેણે મને વિલાયત મોકલતાં ત્રણ પ્રતિજ્ઞાઓ આપેલી, પણ એવી પ્રતિજ્ઞા મારી પાસે નહોતી લેવડાવી કે વિલાયતમાં જાય ત્યાં અસ્પૃશ્યતાને ધર્મ સમજજે. હું જોઉં છું કે ભાવનગરમાં આજે નાનો સરખો (અથવા મોટો — હું જાણતો