પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

નથી) ખળભળાટ ઉત્પન્ન થઈ રહ્યો છે, અને નાગરો, વાણિયા અને બીજા અકળાઈ રહ્યા છે. તેમનામાંના જેઓ અહીં હોય, જેઓ એમ માનતા હોય કે ગાંધી ભ્રષ્ટ થયો છે અને સનાતન ધર્મની જડ ઉખેડવા બેઠો છે, તેમને હું વિવેક અને દૃઢતાપૂર્વક કહેવા માગું છું કે ગાંધી સનાતન ધર્મની જડ નથી ઉખેડવા બેઠો, ગાંધી જે કહે છે તેમાં જ સનાતન ધર્મની જડ રહેલી છે. તમારામાં ભલે કોઈ પંડિત હોય, તેઓએ ભલે વેદનો શબ્દેશબ્દ ગોખ્યો હોય, તોયે તેમને કહીશ કે તમારી મોટી ભૂલ થાય છે; સનાતન ધર્મની જડ તેઓ જ ઉખેડે છે જેઓ અસ્પૃશ્યતાને હિંદુધર્મનું મૂળ માને છે. એ માન્યતામાં દૂરંદેશી નથી, એમાં વિચાર નથી, વિવેક નથી, વિનય નથી, દયા નથી, એમ હું આદરપૂર્વક જણાવવા માગું છું અને મારા વિચારમાં હું એકલો જ રહી જાઉં તોપણ હું છેવટ સુધી કહીશ કે, અસ્પૃશ્યતાનો આજે આપણે જે અર્થ કરીએ છીએ તેને હિંદુધર્મમાં સ્થાન આપીશું તો હિંદુધર્મને ક્ષયરોગ થશે, અને એ ઘાસણીના પરિણામે તેનો નાશ થવાનો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને હું કહું છું કે હિંદુસ્તાનનો ઉદ્ધાર મુસલમાનો ઉપર આધાર નથી રાખતો, ઈસાઈઓ ઉપર નથી રાખતો, જેટલો હિંદુઓ પોતાનો ધર્મ કેવી રીતે જાળવે છે તેના ઉપર રાખે છે. કારણ મુસલમાનોનું કાશીવિશ્વનાથ અહીં નથી પણ મક્કામાં છે, ઈસાઈઓનું જેરુસેલમમાં છે, પણ તમે તો હિંદુસ્તાનમાં જ વસીને મોક્ષ મેળવી શકવાના છો. આ યુધિષ્ઠિરની ભૂમિ છે, આ રામચંદ્રની ભૂમિ છે, ઋષિમુનિઓએ આ ભૂમિમાં તપશ્ચર્યા કરી, અને તેમણે જ સંભળાવેલું કે આ કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. એ ભૂમિના