પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

તમને શી રીતે કહી શકું? હું તો ફકીર જેવો છું — સાચો ફકીર છું કે નહીં તેની મને ખખર નથી, હું સાચો સંન્યાસી છું કે નહીં તેની પણ મને ખબર નથી. પણ સંન્યાસ મને ગમે છે. મને બ્રહ્મચર્ય પ્રિય છે, પણ હું સાચો બ્રહ્મચારી છું કે નહીંં તેની મને ખબર નથી કારણ બ્રહ્મચારીને દૂષિત વિચાર આવતા હોય, સ્વપ્નામાં પણ વ્યભિચારના વિચાર કરે તો હું માનું કે તે બ્રહ્મચારી નથી. મારાથી રોષમાં એક પણ શબ્દ બોલાય, દ્વેષમાં કાંઈ પણ કાર્ય થાય, મારો કટ્ટામાં કટ્ટો દુશ્મન કહેવાતો હોય તેની સામે પણ હું કાંઈ ક્રોધમાં વચન ઉચ્ચારું તો હું મને બ્રહ્મચારી ન કહી શકું. એટલે સંપૂર્ણ બ્રહ્મચારી સંન્યાસી હું છું કે કેમ તે હું નથી જાણતો, તોપણ મારો પ્રવાહ અને મારું જીવન તે દિશામાં ચાલી રહ્યું છે એમ જરૂર કહું. અને એવી દશા હોઈ મારાથી એમ ન કહેવાય કે કાઈ ભંગીની દીકરી અથવા કોઈ કોઢિયલ માણસ મારી સેવા ચહાતાં હોય તો મારાથી તેની સેવા ન થાય, મને પોતાના હાથનું ખવડાવવા ચહાતાં હોય તો તે મારાથી ન ખવાય. પછી ઈશ્વરની ઈચ્છા હોય તો મને બચાવે, નહીં તો મને મારે, પણ મારે તો કોઢિયલની સેવા કરવી જ રહી. એમ કરતાં, ઈશ્વરને ગરજ હોય તો મને રાખે એવો પણ દાવો કરું. કારણ ભંગીને, કોઢિયલને, ઢેડને ખવડાવીને ખાવું એ જ મારો ધર્મ સમજું છું. પણ તમે કોઈ વહેવારધર્મે ખાવા-પીવા માટે બાંધેલી મર્યાદાનું ખંડન કરો એમ હું નથી કહેતો. તમારી પાસે તો એટલું જ ઇચ્છું છું કે તમે પાંચમો વર્ણ ન બનાવો. ઈશ્વરે ચાર રચેલા છે, અને તેનો અર્થ હું સમજી શકું છું, પણ તમે પાંચમો અસ્પૃશ્યનો ન પેદા કરો.