પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
કાઠિયાવાડ રાજકીય પરિષદ

અસ્પૃશ્યતા મારાથી સહન જ નથી થતી, મને એ શબ્દ સાંભળીને આઘાત પહોંચે છે. જેઓ મારો વિરોધ કરે છે તેમને હું કહું છું કે તમે વિચાર કરો, તમે મારી સાથે આવીને ચર્ચા કરો, સમજી જાઓ કે હું શી લવરી કરી રહ્યો છું; તમે વિવેક અને વિચાર છોડી વાત કરી રહ્યા છો તેની અસર નહિ પડે. આજે મારી પાસે બે પંડિતની સહીથી તાર આવેલો છે. તે પંડિત મહાશયોને હું ઓળખતો નથી. પણ તેમાં તેમણે લખેલું છે કે, ‘હિંદુધર્મનો આશરો લઈને અને પંડિતોને નામે તમારી સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તે ખોટા છે, અને અમારા વર્ગના લોકોની સહીના આપને કાગળો મોકલીશું જેમાંથી તમને જણાશે કે અનેક શાસ્ત્રીઓ તમને સાથ આપે છે, જોકે તમે જેટલા જોરથી કામ લઈ રહ્યા છો તેટલા જોરથી અમારાથી કામ નથી લેવાતું; કારણ તમે નીડર રહ્યા. અમારે ઘણા વિચાર કરવા પડે.’. દ્રોણાચાર્ય અને ભીષ્માચાર્ય પાસે આવીને શ્રીકૃષ્ણે કહ્યું કે, ‘તમે પાંડવોની સામે લડશો?’ તો તેમણે કહ્યું કે, ‘ભાઈ, અમારે આજીવિકાની પડી છે, એટલે શું કરીએ ?’ આપણી મધ્યે પણ ઘણા દ્રોણાચાર્યો અને ભીષ્માચાર્યો પડેલા છે. તેમને પેટ પડ્યું છે ત્યાંસુધી તે બિચારા શું કરે? એમનાથી કાંઈ નથી થઈ શકતું તેમાં તે વિદ્વાનોનો દોષ નથી, પણ વિધિનો દોષ છે, સંજોગોનો દોષ છે. પણ તે મનમાં તો માને છે કે ગાંધી સારું કરી રહ્યો છે, અને તેમની આંતરડી મને દુવા દઈ રહી છે. પણ તે સાથે એક બીજી વાત પણ કહું : હું તો સત્યાગ્રહી છું, મારવું નહિ પણ મરવું એ મારો ધર્મ છે, એટલે હું મારે રસ્તે જ કામ લેવાનો. એટલે તમને એક વિનંતી કરું, જો તમને એમ