પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

લાગે કે અસ્પૃશ્યતા હિંદુધર્મની જડ છે તો તમે તેમ માનજો, પણ મને પણ એ હિંદુધર્મનું પાપ છે એમ માનવાનો અધિકાર આપો. તમે બની શકે તો હિંદુ સંસારના હૃદયને જાગૃત કરજો, અને મને પણ તેમ કરવાનો તેટલો જ અવકાશ આપજો. સત્યાગ્રહી તો એકમાર્ગી છે, તેને બીજાની સાથે સંતલસ નથી કરવાની, સુલેહનામું નથી કરવાનું, એટલે તમારી સાથે પ્રેમભાવે વર્તવાનું હું વચન આપીશ. જો હું એકલો રહી જાઉં તો દૂર રહી, ‘છેટે છેટે’ કરીને પોકાર કરીશ.

મને આજે અસ્પૃશ્યતાનિવારણના કામમાં જેઓ સાથ દઈ રહ્યા છે તેમને હું કહું છું — ઢેડભંગીઓને પણ કહું છું — કે તમને જેઓ ગાળો દે તેને સહન કરજો; તુલસીદાસ કહી ગયા છે કે દયા એ ધર્મનું મૂળ છે, એટલે પ્રેમ છોડશો તો બાજી હારશો; તમે જેઓ અસ્પૃશ્યતાને પાપ માનો છો તેઓ તમારા વિરાધીઓને તિરસ્કાર કરવાના પાપમાં ન પડશો, તમને ગાળો દેનારા સાથે હસીને બોલજો. તમે હૃદયથી તેમની સાથે પ્રેમ કરશો અને શુદ્ધ આચાર અને વ્યવહાર રાખશો તો આ અસ્પૃશ્યતારૂપી પાપ ચાલ્યું જશે.

પણ અહીં કાઠિયાવાડમાં આવો વિરોધ થાય તે મને ગળે નથી ઊતરતું. કાઠિયાવાડ તો સુદામાજીની ભૂમિ, કાઠિયાવાડ કૃષ્ણનો વાસ, અહીં તો અનિરુદ્ધ રહેલા. જે ભૂમિમાં યોદ્ધાઓએ પોતાનાં લોહી રેડેલાં તે ભૂમિમાં અસ્પૃશ્યતાને સ્થાન મળે તો હું ક્યાં જઈશ? મને ભંગીઓ કહે છે કે, અહીંંની દશા તો એટલી બૂરી છે કે કાઠિયાવાડ બહારના ગુજરાતમાં પણ એવી બૂરી દશા ક્યાંયે નહિ હોય. આ સાંભળીને મારું હૃદય રડે છે.