પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
કાઠિયાવાડ રાજકીય પરિષદ

અનુભવ આ વેળા પણ કર્યો છે. અને તેમાં આશ્ચર્યની વાત નથી. હિંદુસ્તાનમાં જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં કાઠિયાવાડ જ નજરે પડે છે—એટલે કે પ્રેમનો વરસાદ વરસાવવામાં આવે છે. પણ હું તો તમારી પાસે એક અલૌકિક વસ્તુ માગું છું. તમારા પ્રેમથી હું અકળાઈ જાઉં, કારણ તમે જે વાત કબૂલ કરો તેનો અમલ ન કરો તો મારે માટે તમારો પ્રેમ પોષક નહિં પણ ઘાતક નીવડવાનો છે. એ પ્રેમથી હું ચડી તો ન જ શકું, પણ મને આળસ ચડે અને હું જાગ્રત ન રહું તો મારી અધોગતિ થાય. પ્રેમથી છલકાઈ જાઉં એવો મારો સ્વભાવ નથી, પણ જો તે પ્રેમનું કામોમાં પરિવર્તન ન થાય તો તમારી અને મારી વચ્ચેના સંબંધનું શું થાય? એ સબંધ જાહેર છે, ખાનગી નહિ. તમારી સેવાને માટે તમારી સાથે સબંધ છે. તમે મને ખાનગી નિમંત્રણ આપો તો કદાચ હું ન સ્વીકારી શકું, પણ તમે મને જાહેર સેવાને માટે ગમે ત્યારે બોલાવી શકો છો. એટલે તમારા પ્રેમનું પરિવર્તન જાહેર કામમાં ન થાય ત્યાંસુધી એ પ્રેમની કિંમત નથી. એ પ્રેમની ઈશ્વરના દરબારમાં ભલે કિંમત હોય, પણ હું તો તમારો વ્યાવહારિક મિત્ર એટલે વ્યાવહારિક પ્રેમ માગું. હું પ્રાકૃત માણસ રહ્યો, મારામાં રાગદ્વેષ રહેલા છે, લાગણીઓને દબાવવી એ મારો ધર્મ છે. એટલે હમેશાં ચિત્તની વૃત્તિના નિરોધનો પ્રયત્ન કરું. એટલે પ્રેમ પણ એવો ઇચ્છું, પ્રેમને એવું સ્વરૂપ આપું કે તેથી ચિત્તવૃત્તિ શાંત થાય, એવું સ્વરૂપ આપું કે જેથી હું બળું નહિ. પ્રેમ એ અગ્નિ સમાન છે: તેનો સદુપયોગ થાય તો પાવક અગ્નિની જેમ તે શુદ્ધ કરે, નહિ તો તે સામાન્ય અગ્નિની જેમ બાળે. હું બળી જવા