પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

મળવાની રજા આપશે તો તેમને હું એક દીનની જેમ મળીશ, અને જો તેઓની પરવાનગી હશે તો તેમની સાથે શું થયું તે જાહેરમાં રજૂ કરીશ. ધોરાજીવાળા મુસલમાન આવ્યા હતા તેમણે મને કહ્યું, ‘આ કાઠિયાવાડ રાજકીય પરિષદ કહેવાય અને તમે અમને ધોરાજી વિષે એક શબ્દ પણ કહેવા ન દો?’ મેં કહ્યું, ‘ના.’ કારણ તેમની ફરિયાદમાં કેટલું સાચું અને કેટલું ખોટું તેની મને ખબર નથી. ગોંડળના ઠાકોર સાહેબને હું ઓળખું છું, તેમની સાથે મને પરિચય થયેલો છે, તેમની પ્રત્યે મને માન છે, અને તે બાહોશ રાજા‚ છે એમ હું માનું છું. તેમને હાથે રૈયતનો બગાડ થાય એ મને અસહ્ય છે, એમને એક બે કે પચાસ માણસના કહેવાથી હું કેમ વગોવું ? એમની નિંંદા કેમ થાય? એમને હું જ્યાંસુધી મળ્યો નથી, એમના અધિકારીઓની સાથે વાતચીત કરી નથી, ત્યાંસુધી તમને કાંઈ પણ સલાહ આપવી એ મારા સ્વભાવની વિરુદ્ધ છે. એટલે મેં ધોરાજીવાળાને કહ્યું કે તમે કહો છો તેની બરોબર તપાસ કરીશ. હવે તો મૌલાના શૌકતઅલી આવી ગયા. એટલે મારામાં વધારે બળ આવ્યું છે. મારે હિંદુમુસલમાનો વચ્ચે કશો ભેદ નથી. છતાં એ લોકોને એની શી ખબર હોય ? એટલે મેં એમને કહ્યું: મૌલાના અને હું બંને મળીને તમને સલાહ આપીશું, અને તેમણે પણ કહ્યું કે, ‘તમે જે સલાહ આપશો તે અમે સ્વીકારીશું.’

જેમ ગોંડળનું તેમ જ જામનગરનું. જામનગર વિષે પણ ઘણી ફરિયાદ મારી પાસે આવી છે. જે રાજાને પ્રજા મિત્ર કહી શકે તેવા જામસાહેબ અને હું બાળમિત્ર હતા. સ્વર્ગસ્થ કેવળરામ માવજી દવેનો જામસાહેબના ઉપર ભલામણપત્ર