પૃષ્ઠ:Divadi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી : ૯૩
 

થઈ જશે એવી તેમની ખાતરી હતી.

બંનેના સ્વભાવમાં થોડો ફેર હતો. જયંતીલાલ ખૂબ ધન ઈચ્છતા હતા પણ તેમની પાછળ એવી ભાવના રહેતી કે પોતાના કુટુંબને તે ધનથી સુખી કરી શકે, પોતાના ગામને શાળા, દવાખાનું, કૂવા, તળાવ વગેરે બાંધી આપી શકે, દેશસેવકોની કોઈ સંસ્થા ઊભી કરી શકે, વર્તમાનપત્રો પ્રગટ કરી જનતામાં રાજકીય જાગૃતિ લાવી શકે અને દુષ્કાળ, ધરતીકંપ તથા રેલસંકટમાં પૈસા સારા પ્રમાણમાં ભરી પોતાની છબીઓ હિંદભરમાં જાણીતી કરી શકે. એ સર્વના પાયામાં પોતાનું અને પોતાના કુટુંબીઓનું અંગત સુખ સ્થાપિત કરવાની વૃત્તિ તો ખરી જ. એ માનવસહજ વૃત્તિ છે.

કીકાભાઈની વૃત્તિમાં અંગત સુખ સિવાય ધનનો બીજો કોઈ ઉદ્દેશ જાગ્યો ન હતો. મોટું વૃક્ષ વાવી તેનાં ફળ ખાવા ઈચ્છનારે આસપાસનાં નાનાંમોટાં ઝાંખરાને નીંદી નાખવાં પડે છે. કીકાભાઈની વૃત્તિ કુટુંબ, ગામ, દેશ કે દુનિયાના સુખવિચારમાં જરા યે ફંટાઈ ન હતી, કારણ તેઓ જાણતા હતા કે જો વૃત્તિને ધનપ્રાપ્તિમાં એકાગ્ર નહિ કરવામાં આવે તો ધન પણ નહિ મળે અને બીજા ઉદ્દેશો પણ સફળ નહિ થાય. બીજા ક્યા ઉદ્દેશો સફળ કરવા એ ધન પ્રાપ્ત કર્યા પછી જોયું જશે. એ વિચારમાં તેમણે જયંતીલાલના મનમાં ઊગ્યાં હતાં એવાં ઉદ્દેશ-ઝાંખરાં ઊગવા જ દીધાં ન હતાં.

આછું પાતળું ધન જયંતીલાલ પાસે હતું, જેને ઉત્પાદક ધંધાઓમાં રોકી વધારે ધન પ્રાપ્ત કરવાની યોજનાઓ જયંતીલાલ અને કીકાભાઈ બન્નેએ મળી હાથ ધરવાની હતી. કીકાભાઈ પાસે તો બિલકુલ ધન હતું જ નહિ; છતાં પણ બંનેની મૈત્રી એવા પ્રકારની હતી કે જેમાં પરસ્પરનાં ધન અને મહેનત એકબીજાની સહિયારી મિલક્ત સતત બની રહેતાં હતાં. ધંધામાં પડ્યા પછી જોતજોતામાં બંનેને ફતેહ મળવા લાગી અને રોકેલા પૈસા કરતાં દોઢા, બમણા અને તેથી પણ વધારે પૈસા થતા ચાલ્યા. જયંતીલાલે નફાની વહેંચણી