પૃષ્ઠ:Divadi.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી : ૯૫
 

આશ્ચર્યસહ જોયું કે જયંતીલાલે અર્ધી જ નહિ પણ પોતે રોકેલી આખી રકમ કીકાભાઈની થાપણ તરીકે ચોપડે ચઢાવી દીધી !

માનવીની સારપ બેવકૂફી પણ મનાય છે. આશ્ચર્યની લાગણી ચાલુ હતી ત્યાં સુધી જયંતીલાલ માટે કીકાભાઈને સદ્ભાવ ખૂબ રહ્યો. જયંતીલાલને કીકાભાઈએ સલાહ પણ આપી કે આટલા બધા સારા થવું જોખમ ભરેલું છે. જેનો જવાબ જયંતીલાલે એમ વાળ્યો : 'તને મિલકત સોંપવી એમાં જો જોખમ હોય તો જિંદગીમાં જોખમ સિવાય બીજું કાંઈ નથી.'

અને થોડાં વર્ષ બન્નેનો વેપાર ભેગો ચાલ્યો, અને બન્ને મિત્રો સારા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરતા ચાલ્યા.

કોઈ પણ સહકાર્યમાં - ભેગા વ્યાપાર વ્યવહારમાં એક ભારે મુશ્કેલી છે. નફો મળતો હોય તો પણ એ નફામાં કોનો કેટલો ભાગ ગણવો એ પ્રશ્ન અનેકાનેક માનસિક અને વ્યાવહારિક ગૂંચવણો ઊભી કરે છે. મૂળ થાપણ જયંતીલાલે આપી એ વાત ખરી; પરંતુ એમાં કીકાભાઈએ પોતાની બુદ્ધિ અને મહેનત ઉમેર્યાં ન હોત તો જયંતીલાલની મૂડી એમની એમ પડી રહી હોત ! અરે પડી રહી હોત એમ નહિ; પરંતુ તે શોષાઈને અદ્રશ્ય પણ થઈ ગઈ હોત. મૂડી હોય તેથી કંઈ મૂડી વાપરતાં આવડી એમ કહેવાય નહિ. વળી જયંતીલાલ રાકેલી મૂડીનો અર્ધો ભાગ આપવા કીકાભાઈ ક્યાં તૈયાર જ હતા ? જયંતીલાલે માગી હોત તો જયંતીલાલની થાપણ કરતાં ત્રણચારગણી થાપણ કીકાભાઈ મૂકી શકયા હોત અને જયંતીલાલનો આખો વેપાર ખરીદી શક્યા હોત. એટલે જયંતીલાલની થાપણ અંગે કીકાભાઈએ બહુ ઉપકારની લાગણી સેવવાની જરૂર ન હતી. ધીમે ધીમે એ ઉપકાર ઓસરી ગયો, એટલું જ નહિ પણ વેપારમાં જયંતીલાલની ભાગીદારી કીકાભાઈને અડચણરૂપ