પૃષ્ઠ:Divadi.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : દીવડી
 

ન્યાય કે ન મળ્યો ભાગ ! રાષ્ટ્રો વચ્ચેના કરારોને સુધરેલા મુત્સદ્દીઓ કાગળનો ટુકડો ગણાવી ઠોકર ચઢાવે એ મુસદ્દીપ્રેરિત દુનિયાની અદાલતો ન્યાય આપી પણ કેમ શકે ? જયંતીલાલ ત્રણ અદાલતો સુધી ગયા, હાર્યા, ન્યાય ન જ મળ્યો અને એવી પરિસ્થિતિમાં આવી પડ્યા કે જેમાં તેમની મિલકત, રોકડ ને ઘરેણાં બધુ જ ગીરો-વેચાણ થઈ ગયું. શેઠની કક્ષાએ બિરાજેલા જયંતીલાલ સામાન્યતામાં ઊતરી ગયા; મોટરકારમાં ફરતા હતા તે હવે પગે ચાલતા થઈ ગયા; મહાલયમાં રહેતા હતા તે હવે નાનકડા તૂટેલા મકાનમાં રહેવા લાગ્યા; એટલું જ નહિ પણ તેમનાં મન અને તન વિશ્વાસઘાતી મિત્રના વલણથી એટલાં લથડી ગયાં કે તેમને જીવવું પણ અકારું લાગ્યું. તેમનાથી પોતાને હાથે મરી શકાયું નહિ એટલા પૂરતા જ તેઓ જીવતા રહ્યા. જીવતા રહેવામાં તેમને બે પ્રેરણાઓ માત્ર હતી : એક માનવજાતની કૃતઘ્નતા ઉપર – મિત્રોના વિશ્વાસઘાત ઉપર શાપ વરસાવવાની અને બીજી, પોતાના પુત્રને ભણાવીગણાવી જીવનયુદ્ધ માટે તૈયાર કરવાની. કૃતઘ્નીઓને શાપ આપી થાકી ગયેલું તેમનું મન ધીમે ધીમે માત્ર નિ:શ્વાસ લેતું જ બની ગયું; અને ઠીક ઠીક ભણતા પુત્રને મહામુસીબતે ભણાવતાં ભણાવતાં સારા થવાની શિખામણ સાથે કોઈનો પણ – સગા બાપનો – પણ વિશ્વાસ ન રાખવાની શિખામણ આપતા તેઓ થઈ ગયા.

કીકાભાઈ વ્યાપારધંધામાં આગળ ને આગળ વધતા ચાલ્યા, જયંતીલાલ જેવા મૂર્ખ મિત્રને દૂર કરી તેઓ પોતાની અક્કલહોશિયારી વાપરવાની મુક્ત મોકળાશ મેળવી શક્યા. અદાલતમાં જયંતીલાલને હરાવીને તેમણે સિકંદર કે જંઘીઝખાન જેવી વિજ્યઊર્મિ તો અનુભવી ! એટલું જ નહિ, પરંતુ દિવસે દિવસે આર્થિક મુશ્કેલીમાં ડૂબતા જતા જયંતીલાલને નિહાળી તેમણે આનંદ પણ અનુભવ્યો !