પૃષ્ઠ:Divadi.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી : ૯૯
 

– જોકે આનંદ વ્યક્ત કરતી વખતે તેઓ જયંતીલાલની મૂર્ખાઈને જ આગળ કરતા હતા અને વારંવાર કહેતા હતા :

'દુનિયા મૂર્ખાઓની નથી.'

કીકાભાઈની વાત બહુ સાચી ગણાય. જેની ગણતરી ખોટી પડે એ માણસને જ મૂર્ખ માનવો. મિત્ર દગો કરશે એમ ન માનનારનો મૂર્ખાઓમાં જ સમાવેશ થઈ શકે, અને ઘણી યે વાર એક જ મૂર્ખાઈ જીંદગીભરની આફત નીવડે છે. જયંતીલાલ નીચા અને નીચા ઊતરતા ચાલ્યા. વ્યાપારમાં તેમના મિત્ર કીકાભાઈની હરીફાઈ તેમને સતત ખોટમાં જ ઉતારતી. તેમણે ધંધો બંધ કર્યો, મિલકતો વેચી નાખવા માંડી, પત્નીનાં ઘરેણાં પણ વેચવાનો તેમને પ્રસંગ આવ્યો અને અંતે ભાડાના ઘરમાં રહી દિવસ ગુજારવાની પરિસ્થિતિ ઉભી થઈ. ધન આવવા માંડે છે ત્યારે આંખ મીંચીને આવવા માંડે છે; ધન જવા માંડે છે ત્યારે આંખ મીંચીને જવા માંડે છે. જયંતીલાલ આર્થિક કક્ષાએ જેટલા નીચે ઊતરતા ગયા તેટલા જ કીકાભાઈ આર્થિક કક્ષાએ ઉંચે ચઢતા ગયા. જયંતીલાલને માત્ર હવે એક જ આશા હતી : દિવસે દિવસે વધતી ગરીબાઈમાં પોતાના એકના એક પુત્ર પુષ્પકને સારી રીતે ભણાવવો. ગરીબી ભણતરમાં પણ ભારે વિઘ્નરૂપ ગણાય અને ભારતવર્ષમાં પણ ભણતર એવું મોંઘુ બનવા માંડ્યું છે કે ગરીબોથી ભાગ્યે જ ખર્ચાળ ભણતરનો લાભ લઈ શકાય. પત્નીના ઘરેણાં પુત્રના ભણતર માટે જ તેમને દૂર કરવા પડ્યા. સંતોષ એટલે જ હતો કે પુષ્પક સારું ભણતો હતો, કદી કદી ઇનામો લાવતો હતો અને ઉપલા વર્ગોમાં તો તેણે શિષ્યવૃત્તિની રકમો પણ લાવી પિતાના આર્થિક બોજને હળવો કરવા માંડ્યો.

ગરીબાઈમાં ઊંડા ઊતરતાં ઉતરતાં વર્ષો વીત્યાં અને પુષ્પક મોટો થતો ગયો, ભણતો ગયો અને સારા ભાવિની આગાહી આપતો ચાલ્યો. માનવી અંતે તો માનવી જ છે. એના મનમાં વેર વસી જાય છે. જયંતીલાલના મનમાં એક પ્રકારનું વેર તો જરૂર વસી ગયું