પૃષ્ઠ:Divadi.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : દીવડી
 

હતું તે કીકાભાઈને નીચો પાડવો; અથવા તેમ બને એમ ન હોય તો એના સરખા બની આર્થિક રીતે તેની સરસાઈ કરવી. અંગત રીતે જયંતીલાલથી તે બની શક્યું નહિ. કીકાભાઈને નીચા નમાવવા જે પ્રયત્નો કર્યા તેમાં જયંતીલાલ નિષ્ફળ નીવડ્યા અને સરસાઈ કરવાની વાત તો બાજુ ઉપર રહી; પરંતુ આર્થિક દ્રષ્ટિએ તો તેઓ નીચે અને નીચે ઊતરતા ચાલ્યા. પુત્ર પોતાની આશા અને ઈચ્છા સફળ કરશે એ ભાવનામાં અંતે જીવવાનો પ્રસંગ આવી લાગ્યો; અને તેમને કદી કદી આશા પણ પડતી કે પુત્ર એક દિવસ કીકાભાઈની સામે જરૂર મોરચો માંડશે અને કીકાભાઈ કરતાં પોતાને વધારે ઝળકતો દેખાડશે.

જયંતીલાલને એક જ અસંતોષ રહ્યા કરતો. પુષ્પકમાં ધનઉપાર્જનના કે ધનની સાચવણીના સંસ્કાર જરા યે ખીલતા નહિ. ધન સાચવવાને બદલે પુષ્પક ધન વાપરી નાખતો. પોતાનાં ઈનામ અને શિષ્યવૃત્તિઓની રકમમાંથી તે પોતાના મિત્રોને કદી કદી ભાગ આપી આવતો પોતાનાં પુસ્તકો પણ બીજાઓને વાપરવા આપતો અને કદી કદી ભૂખ્યો રહી તે ગરીબ વિદ્યાર્થી ભાઈઓને પોતાનો ખોરાક પણ આપી આવતો. કસરત, સાદાઈ, દેશભક્તિ, સેવા, કવાયત, ગ્રામોદ્ધાર, દરિદ્રનારાયણ જેવી ભાવનાઓ સફળ કરવાને માટે તેને તાલાવેલી લાગી હોય એમ તેના વર્તન ઉપરથી લાગ્યા કરતું, આવા આદર્શોએ હિંદમાં તેમ જ જગતમાં કંઈક કારકિર્દીઓને ધૂળમાં મેળવી દીધી છે. જયંતીલાલ પોતે પણ આ ભાવનાઓના ભોગ અનેક વાર થઈ ચૂક્યા હતા અને પુત્રમાં એ ભાવનાઓ વધારે વિકસિત થતી તેમણે જોઈ ત્યારથી તેમનો અસંતોષ વધારે તીવ્ર બનતો ચાલ્યો. 'દગાખોર મિત્રને તેના દગાનું ફળ આપે એવો પુત્ર શું નીવડશે નહિ?' એમ નિસાસો નાખીને તેમનું મન કોઈક વાર બોલી ઊઠતું, જેમાં પુત્રમાં બીજો કોઈ પણ પ્રકારનો વાંધો કાઢી શકાય એમ ન હતું, એ સંતોષ તેમને રાત્રિએ સુખભરી નિદ્રા