પૃષ્ઠ:Divadi.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : દીવડી
 


'લોહી ! દર્દી ને ? તેં આપ્યું ?' માતાપિતાએ ઉપરાછાપરી પ્રશ્નો કર્યા. માનવજાતની સેવા અર્થે પ્રત્યક્ષ લોહી આપવાની પણ યોજના વીસમી સદીએ શેાધી કાઢી છે; એટલું જ નહિ, પણ સ્વચ્છ, તંદુરસ્ત, અનુકૂળ ગુણધર્મવાળાં લોહી ભેગાં કરી 'બ્લડ બૅન્ક' નામની પેઢીઓ પણ કાઢવાનું આ પૈસાપૂજક યુગને યોગ્ય લાગ્યું છે. એક સેવાભાવી યુવક તરીકે પુષ્પકે આજે જ એક દર્દને પોષવા માટે, મૃત્યુથી બચાવવા માટે, પોતાનું રુધિર દવાખાને જઈ આપ્યું હતું. પુષ્પકે માતાપિતાની ખાતરી કરવા કહ્યું કે એવું રુધિરદાન જીવલેણ નીવડતું નથી. એમાં અઠવાડિયું પંદર દિવસ સહજ નબળાઈ આવે; એથી વધારે શરીરહાનિ તેમાં થાય નહિ.

'પણ તારી તો પરીક્ષા હમણાં આવે છે.' માતાએ કહ્યું.

'મા ! પરીક્ષા તો ફરી આવે; પણ દર્દીનો તો જીવ જાય એવી પરિસ્થિતિ હતી. આજે મેં લોહી ન આપ્યું હોત તો દર્દીને જીવવાની આશા પણ ન હતી.' પુષ્પકે કહ્યું.

'પણ એ દર્દી વળી કોણ હતો ?' પિતાએ પૂછ્યું.

'એ તો એક છોકરી હતી.' કહી પુષ્પક થાકની નિશાની તરીકે સહેજ આંખ મીંચી. ખરેખર પુષ્પકને થાક લાગ્યો હતો અને તેને આરામની જરૂર હતી.

‘જે હશે તે; હમણાં એને સૂઈ રહેવા દો. એને માટે બજાર માંથી દૂધ લઈ આવો.' માતાએ કહ્યું અને જયંતીલાલ દૂધ લેવા માટે ઊભા થયા. દૂધ લાવવા માટે પણ પત્નીની છેલ્લી રહી ગયેલી સોનાની બંગડીઓ ગીરો મૂકવાની હતી. શુન્ય મને જયંતીલાલ ઊઠી પત્નીની બંગડી લીધી, અને તેઓ બહાર નીકળ્યા. દૂધ લઈ પાછા આવ્યા ત્યારે પગથિયે ચઢતાં જ તેમણે પુષ્પકને મૂકી ગયેલી કાર ફરી આવતી જોઈ અને તેઓ ક્ષણભર પગથિયે ઉભા રહ્યા. શૉફરે ગાડીમાંથી નીચે ઊતરી ફળની ભરેલી ટોપલી ઓટલા ઉપર મૂકી દીધી અને કહ્યું :