પૃષ્ઠ:Divadi.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી :૧૦૫
 

સંભળાયો. અરે ! કનકલતાને અહીં મૂકી તેનાં માતાપિતા ચાલ્યાં જતાં હતાં ! પુષ્પકની માતાએ જયંતીલાલના પગ પાસે પડેલો. દસ્તાવેજ ઊંચકી તેના હાથમાં મૂક્યો.

તે જ ક્ષણે જયંતીલાલ વિચારમાં ને વિચારમાં ઊંડા ઊતરી હાથમાં મુકાયેલ દસ્તાવેજ ફાડતા ચાલ્યા. એ દસ્તાવેજમાં બધી જ મિલકત કીકાભાઈએ પોતાની પુત્રી કનકલતા અને તેના પતિને સોંપવાનો લેખ કરેલો હતો એની તેમને ખબર પણ ન હતી. તેઓ લેખ, દસ્તાવેજ અને ખતપત્ર કરતાં કાઈ વધારે ઊંચી દુનિયામાં વસતા હતા. હજાર રૂપિયાના ચેકને બદલે પોતાનું અને પોતાની મિલકતનું અર્પણ કરવા દુશ્મન કીકાભાઈની પુત્રી દૃઢ નિશ્ચય કરી તેમની સામે જ આવી ઊભી હતી !

પુત્રે બદલો લીધો એવી ભાવના જ તેમના હૃદયમાં શોધી જડી નહિ. દુશ્મનની દીકરી તેમને પોતાની જ દીકરી લાગી. તેમની મિલકત કીકાભાઈએ લૂંટી લીધી હતી ? કે વ્યાજ સાથે તે પાછી મળતી હતી ? કાંઈ પણ વિચાર કરવાની શક્તિ ગુમાવી બેઠેલા જયંતીલાલ કનકલતાના મસ્તક ઉપર આશીર્વાદભર્યો હાથ મૂક્યો. તેમની આંખમાં અશ્રુનાં બે બિંદુઓ ચમકી ગયાં.

કલ્પના કરતાં પણ સત્ય વધારે વિસ્મયપ્રેરક હોય છે.