પૃષ્ઠ:Divadi.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર વેચાણઃ ૧૦૭
 

મળે ત્યાં સુધી એ ખટકો તો રહેવાનો જ.

હું અને મારી પત્ની હવા ખાવાના એક શાંત સ્થળે પંદર દિવસ માટે રહેવા ગયાં હતાં. નાનકડું એકાંત મકાન અમને મળી ગયું; અને એને નાનું સરખું કંપાઉન્ડ પણ હતું એટલે નવરાશનો વખત હુ કંપાઉન્ડમાં જ ગાળતો. મારે પૂર્ણ આરામ લેવો હતો. સરકારી ઊંચા અમલદારો સરકારી કામ કરી કરીને થાકી જાય છે એટલે કામથી મુક્તિ મેળવવા આવી શાંત જગા ખોળે છે. હું પણ ઠીક સરકારી ઊંચો નોકર હતો. જંજાળને બાજુએ છોડી હું અહીં આવ્યો અને અહીંની જંજાળ મેં તદ્દન બાજુએ નાખી. મોજ આવે તો વાંચતો અને ફાવે ત્યારે ફરવા જતો. મારી પત્નીને પણ મેં કહી રાખ્યું હતું કે એને ફરવા જવું હોય, હવાખાવાના સ્થળનો પૂરો લાભ લેવો હોય તો એ ભલે ફરે; પણ હું તો મારી ઓરડીમાં, મારા કંપાઉન્ડમાં બેસી જ રહેવાનો અને કોઈના પણ બંધન વગર ફરવાનો.

સાંજના પાંચેક વાગ્યાનો સમય હતો. આરામ ખુરશી ઉપર કંપાઉન્ડમાં પડ્યો પડ્યો ચીનની ગરીબી વિષે એક અમેરિકને લખેલું પુસ્તક વાંચતો બેઠો હતો. સામે ચાની ટ્રે બિસ્કિટ અને બીજાં અલ્પાહારનાં સાધનો પડ્યા હતાં. આરામથી થોડી થોડી વારે ચા પીતાં પીતાં થતા મારા વાચનમાં એકાએક વિક્ષેપ પડ્યો, મારી પત્ની તો તેના નિત્ય નિયમ પ્રમાણે તેની બહેનપણીઓ સાથે લાંબે ફરવા ગઈ હતી અને રાત પહેલાં આવે એ સંભવ ન હતો, એટલે હું એક પ્રકારની અજબ સુખભરી શાંતિ અનુભવી રહ્યો હતો. એવામાં મારી સામે બહુ ઊંચી જાતનાં નહિ, છતાં સ્વચ્છ કપડાં પહેરેલો એક પુરુષ આવીને ઊભો. તેનું મુખ જોતાં જ મને ભય લાગ્યો. આમ તો ભય લાગે એવું કશું જ ન હતું, છતાં એના મુખનો દેખાવ કોઈ રોગથી કે ભૂખથી કૃષ થઈ ગયેલા માનવી જેવો લાગતો હતો.