પૃષ્ઠ:Divadi.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર વેચાણ : ૧૧૩
 


વાત એટલી જ હતી કે કૉલેજમાં ભણતાં એક યુવકયુવતીને પ્રેમ થયો; તે એટલે સુધી કે પરસ્પર છબીઓ પણ તેમણે આપી – લીધી. ભાગ્યવશાત યુવક હિંદમાં જ રહ્યો અને યુવતી વધારે ભણતર માટે પરદેશ ગઈ. પરદેશગમનમાંથી એક મોટો ચમત્કાર ઉત્પન્ન થયો. હિંદમાં રહેલા યુવક પ્રત્યે પરદેશ ગયેલી યુવતીનો પ્રેમ ઘટતો ચાલ્યો અને અંતે તેણે પરદેશમાં જ મળેલા, વધારે અભ્યાસમાં રત થયેલા એક બીજા યુવકમાં પ્રીત જોડી અને હિંદવાસી યુવકને છેલ્લી સલામ લખી દઈ પરદેશશિક્ષિત યુવકની સાથે હિંદ આવી તેણે લગ્ન પણ કરી નાખ્યાં.

'એ હિંદવાસી યુવક તે હું – જોકે હું હવે યુવક રહ્યો નથી.'

'કેટલાં વર્ષ ઉપરની વાત કરો છો ?'

'પંદરેક વર્ષ થયાં હશે, પરંતુ એ પંદરે વર્ષ પંદર ઘા સમાન નીવડ્યાં છે. હવે મૃત્યુની રાહ જોઉં છું.'

'મને લાગે છે કે પંદરેક વર્ષ ઉપર હું પણ પરદેશ ભણતો હતો – લગભગ ભણી રહ્યો હતો. અને મારી પત્ની પણ મને પરદેશમાં મળી અને મેં હિંદ આવીને લગ્ન કર્યાં. તમારી વાત બહુ રસભરી છે. મારી પત્નીને હું પૂછીશ કે આ વાત તેને તો લાગુ નથી પડતી ને ?' સહેજ હસીને મેં કહ્યું, પરંતુ એ મારા હાસ્ય પાછળ મારી હૃદયમાં એક ધ્રુજારી પણ હતી. મારી પત્ની અંગે તો એ કિસ્સો નહિ બન્યો હોય ? એમ હોય તો એ કહ્યા વગર રહે જ નહિ. મારી અને મારી પત્ની વચ્ચે સહજ પણ માનસિક પડદો હોય એમ મેં કદી માન્યું નથી.

'ચાલો સાહેબ ! હું રજા લઈશ. આપનો સમય નિરર્થક વિતાવ્યો; છતાં આપે મને પોષણ આપી રડવાની અને મરવાની શક્તિ આપી એને માટે હું આપનો ખૂબ આભાર માનું છું. શી જીવનની નવાઈ છે કે માનવી ભૂખ્યો હોય ત્યારે તે રડી શકતો નથી અને મરી શકતો પણ નથી !' એમ કહી એ વિચિત્ર હાડપિંજરસમો