પૃષ્ઠ:Divadi.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : દીવડી
 

બની ગયેલો માનવી ઊભો થયો. મેં તેને મારી સાથે રહેવાનો આગ્રહ કર્યો અને મારી પત્નીને મળવા માટે વિનંતિ કરી. મારી પત્નીને મળવાથી તેને ઘણો આનંદ થશે એ પણ હકીકત મેં તેને સમજાવી; પરંતુ તેણે તો રોકાવાની ના જ પાડી. મેં તેને કહ્યું :

'આ ફ્રેમ મારે ન જોઈએ. આપ પાછી લઈ જાઓ.'

'હું કશું જ મફત – કિંમત આપ્યા વગર લેતો નથી. મારા પ્રેમની પણ કિંમત આપી રહ્યો છું. છેલ્લે ફ્રેમ રહી હતી તે પણ હવે વેચી નાખું છું. જૂની પ્રેમકથાને જાગ્રત કરનાર આપનું ખાણું તો હું કિંમત આપ્યા વગર ન જ લઈ શકું.' એમ કહી તેણે આગળ ડગલું ભર્યું. મેં તેને એકાએક પૂછ્યું :

'આ ફ્રેમ તો ખાલી છે. એ છબી સાથે ફ્રેમ આપો તો હું રાખું.'

'નહિ સાહેબ ! એ છબી મારી સાથે બાળવા માટે મેં રાખી છે. અમારા પ્રેમયુગમાં અમે એકબીજાને વચન આપ્યું હતું કે મરીશું તો સાથે જ બળીશું. એ કથન સાચું પાડવા માટે છબી સિવાય મારી પાસે બીજો માર્ગ નથી. એટલે એ છબી તો હું તમને નહિ આપું.' એટલું બોલી અત્યંત ઝડપથી તેણે મારું કંપાઉન્ડ છોડી દીધું અને ટેકરીમાં અદ્રશ્ય થઈ ગયો.

સંધ્યાકાળ થતો હતો; મારી પત્ની પણ ફરીને પાછી આવી મારી પાસે બેઠી. મેં તેને પેલા વિચિત્ર આદમીની વાત કહી સંભળાવી, અને ફ્રેમ તેની સામે મૂકી દીધી.

વાત પૂરી થતાં કે મને જોઈ મારી પત્નીએ મને પૂછ્યું :

'એનું નામ શું હતું ?'

'એ તો પૂછવું રહી ગયું.' એટલું કહી અંધારું થવાથી કંપાઉન્ડમાંથી અમે બંગલામાં ગયાં.

તે રાત્રે મારી પત્ની મારી સાથે જમી નહિ, અને મને લાગ્યું કે એ રાત્રે તેને નિદ્રા પણ આવી નહિ.