પૃષ્ઠ:Divadi.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાતશત્રુ : ૧ર૫
 

હસી શકતો ન હતો. મને, મારા ગૃહને, મારી દુનિયાને, અને મારી ફરજને અતિ ગંભીરતાપૂર્વક, બ્રહ્માંડના ભાર તરીકે ઊંચકીને હું ફરતો હતો, જેમાંથી મેં હાસ્યને, હળવાશને ટાળી કાઢ્યાં હતાં. શું હુ જ મારો દુશ્મન હતો ?

એ રાત્રે એક પણ કટુ શબ્દ મેં મારી પત્નીને કહ્યો નહિ. તેની એક પણ ફરજ મેં તેને સમજાવી નહિ. અને ખરેખર મને બહુ સુખમય નિંદ્રા આવી, જે મને વર્ષોથી આવતી ન હતી.

પ્રભાતમાં ઊઠી મેં મારી પત્નીને આજ્ઞા કરી કે સહુ એ મારી સાથે બેસીને તે દિવસથી ચા પીવાની છે. જે ઢબે મારાં જ સંતાનો મારી આજ્ઞા માનીને બીતાં બીતાં મારી પાસે આવીને ચા પીવા લાગ્યાં તે ઢબ જોઈ મને હસવું આવ્યું, અને મને હસતો જોઈ બાળકોને પણ નવાઈ લાગી. મેં પણ હસતાં હસતાં બાળકોને કહ્યું:

'હવે તમારો દુશ્મન મારામાંથી અલોપ થયો છે, અને ધીરે ધીરે તમે મારામાં એક પિતાને જોશો. પણ જ્યારે જ્યારે તમને એમ લાગે કે હું તમારો દુશ્મન છું ત્યારે ત્યારે તમારે એક આયનો મારી સામે ધરી દેવો.'

આટલું કહી હું હસ્યો. બાળકોને પણ મારી સૂચના હસવા જેવી લાગી. મારી પત્ની સિવાય આ રહસ્યનો સ્ફોટ મેં કોઈની આગળ કર્યો નથી; પરંતુ તે દિવસ પછી હું, મારાં ચારે સંતાનો અને મારી પત્ની અત્યંત કિલ્લોલથી દિવસ અને રાત ગુજારીએ છીએ. અને મારા ઉપરીઓ મારી સલાહ લે છે તથા મારા હાથ નીચેનાં માણસો તેમની મુશ્કેલીઓનો ઉકેલ મારી પાસે માગે છે. આપઘાત કરવાની ઘેલછા સ્વપ્ને પણ મને હવે આવતી નથી. કારણ, આયનાએ સ્પષ્ટ કરેલો મારો દુશ્મન તે દિવસથી અલોપ થઈ ગયો છે.

એ મારો દુશ્મન તે હું પોતે જ ! મારો અકારો, કડવો, અનિષ્ટ સ્વભાવ ! મારી નીતિઘેલછા અને જવાબદારીની અતિ ગંભીરતા ! એટલે મેં આવા સ્વશત્રુ માટે જાતશત્રુ નામ શોધી કાઢ્યું છે.