છતાં – ગુનો પુરવાર ન પણ થાય એવી આપણા ન્યાયશાસનની કરામતો પણ છે.
લખપતને જોતાં જ, પેલી જુવાન મજુરણ બૂમ મારી ઊઠી :
'લખપતભાઈ ! જુઓને આ; વેઠ કરાવે છે અને ઉપરથી મશ્કરી કરે છે.'
શહેર, સંસ્કાર અને ભણતર જાતીય સંબંધ અંગે જે હળવાશ, અને કુમળાશ સેવે છે તે હજી ગામડામાં પ્રવેશી શકી નથી; એટલે પરાઈ સ્ત્રી સાથે ગમ્મત કરવામાં ગામડિયા ભારે ગુનો માને છે, જેને માટે શહેરોમાં રચાતા કાયદાઓમાં આધાર ન પણ જડે. લખપત સમજી ગયો. તેણે કહ્યું :
'જા બહેન ! પાછી તારે ગામ ચાલી જા. હું આ જમાદારની પેટી ઊંચકીને મારે ગામ પહોંચાડી આવું છું.'
'તું કોણ, છે, વચ્ચે ડહાપણ કરવાવાળો ? રસ્તે પડ !' એક પોલીસ સિપાઈએ લખપતને ધમકાવ્યો.
પેલી સ્ત્રી જરા હસી, અને બોલી : 'લખપતભાઈને હજી ઓળખ્યા લાગતા નથી !'
'અરે ચાલ, લખપતવાળી ! પેટી ઉઠાવી આગળ ચાલ !' કહી બીજા પોલીસવાળાએ બાઈને ધમકાવી, નીચે મૂકેલી પેટી તેને માથે મૂકવા માંડી એટલે લખપતે વચ્ચે આવી કહ્યું :
'જમાદાર સાહેબ ! હું ઠીક કહું છું. પેટી હું ઉપાડીને લઈ જાઉં; બાઈને જવા દો.'
'ચાલ, આઘો હટ !' કહી લખપતને પોલીસના એક સિપાઈએ ધક્કો માર્યો અને લખપતની આંખ ચમકી ઊઠી. આંખની પાંપણ ઊઘડે અને બંધ થાય એટલામાં તેણે પોતાની કડિયાળી ડાંગનો એકેક ફટકો એવી ઢબે બન્ને સિપાઈઓને અડાવી દીધો કે તેઓ ઢગલો બની નીચે પડ્યા અને પછી તેમને બંનેને ઊભા કરી એકને માથે પેટી અને બીજાને માથે પથારીઓ મૂકાવી લખપતે પોલીસ સિપાઈઓને