પૃષ્ઠ:Divadi.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ : ૧૩૫
 

હજી આપણે ત્યાં જન્મ્યો દેખાતો નથી. બહારવટિયાને પકડવો એટલે યુદ્ધમોરચો રચવા જેટલી તૈયારીઓ કરવી પડે છે. અને તૈયારીઓ છતાં પણ જાદુગર સરખો બહારવટિયો ક્યાં કેવી રીતે અદૃશ્ય થાય છે તે સમજવું–સમજાવવું બહુ મુશ્કેલ છે. ડુંગરા, કોતર, નદીનાળાં, જંગલ અને ખંડેરો બહારવટિયાની તિલસ્મી નાઠાબારીઓ બની રહે છે.

વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યું, બે વર્ષ વીત્યાં, છતાં લખપત બહારવટિયો પકડાયો નહિ. અંતે એક મહાકુશળ, અનુભવી, રણવીર નામના પોલીસ અમલદારની લખપતને પકડવા અગર તેની ટાળીનો નાશ કરવા માટે નિમણૂક થઈ. એવી લોકોક્તિ છે બહારવટિયો અંદર અંદરની ફૂટ વગર પકડાય નહિ. ધોળી દુનિયામાં રહી કાળી દુનિયા સાથે અત્યંત નિકટ સંબંધ રાખનાર વ્યક્તિઓને પોલીસ અમલદાર ઠીક ઠીક પિછાનતા હતા, અને તેણે કુનેહપૂર્વક લખપતનું પગેરુ પકડવા માંડ્યું, એટલું જ નહિ, પરંતુ લાલચ અને ધમકી આપી તેના પક્ષકારોમાં ફૂટ પડાવવાની શરૂઆત રણવીરે કરી દીધી. કોઈને તેણે માફી અપાવવાનું કહ્યું, કોઈને પોલીસમાં જમાદારી અપાવવાનું કહ્યું કે કોઈને જમીનની લાલચ આપી અને કોઈને વર્ષાસન બાંધી આપવા જણાવ્યું. અંતે લખપતના એક સાથીદાર શૂરા ભગતે, પકડાવી આપવાનું તો નહિ પણ લખપતને મેળવી આપવાનું વચન રણવીરને આપ્યું. શરત એક હતી કે રણવીર અને લખપત મળે ત્યારે શસ્ત્રરહિત થઈને મળે. એક ગાઢ જંગલમાં આવેલી એક ડુંગરની તળેટીમાં શૂરા ભગતનું મંદિર હતું. લૂંટારા અને બહારવટિયાનો મિત્ર શૂરો એકતારો લઈ ભજન ગાતો, કંઠે તુલસીની માળા પહેરતો અને સામાન્ય મિલનમાં બહુ જ વિનયી, સૌમ્ય, અને ધર્મિષ્ઠ દેખાતો. અને એ જ ગુણોને લઈને લૂંટનો માલ સંતાડવા માટે, લૂંટનો માલ વેચવા માટે, લૂંટવા જેવાં સ્થળોની બાતમી મેળવવા માટે તેનો ખૂબ ઉપયોગ લખપતને થતો. બીજી