પૃષ્ઠ:Divadi.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ : ૧૩૭
 

હોવા છતાં ભયંકર જરૂર લાગી. શિવાલયનું બારણું ઊઘડ્યું અને એમાંથી એક કદાવર, દાઢી મૂછ થોભિયાવાળો, કસાયલો જુવાન બહાર નીકળી આવ્યો. તેના દેહ ઉપર એક પણ શસ્ત્ર ન હતું છતાં તેનો પહેરવેશ દોડવાની પૂરી અનુકૂળતાવાળો સજજતાસૂચક હતો. મંદિર અને ટેકરા વચ્ચે થોડું અંતર હતું.

'એ જ લખપત, સાહેબ !' શૂરાએ કહ્યું અને લખપતે આવી સાહેબને બે હાથ જોડી રામરામ કર્યા.

'રામ રામ, સાહેબ !'

'રામ રામ, લખપતભાઈ!.. અરે! તને તો જોયો લાગે છે !' રણવીરે કહ્યું.

'જી હા. આપ જ્યારે નાના ફોજદાર હતા ત્યારે આપને બે-પાંચ ચોરીઓ મેં પકડાવી આપી હતી, અને આપે મને ઈનામ પણ અપાવ્યું હતું.' લખપતે કહ્યું.

'અરે હા, મને બરાબર યાદ છે. તેં જ મને એક ઘામાંથી ઉગાર્યો હતો. ભૂંડા ! આ શું લઈને તું બેઠો છે? ' રણવીરે કહ્યું.

'એ વાતને તો વર્ષો વીતી ગયાં. સાહેબ ! અને હવે તો બહારવટે નીકળ્યો છું. આપનું નામ સાંભળ્યું એટલા માટે મળવા હું કબૂલ થયો. બાકી હવે તો આપણી વચ્ચે એટલાં છેટાં છે કે મરવું અને મારવું એ એક જ બની જાય.' લખપતે કહ્યું.

'લખપત ! ગમે તેમ કરી આ બહારવટું છોડી દે. હું ખરું કહું છું. આમ ક્યાં સુધી ચાલશે ? તું હવે સપડાવાની તૈયારીમાં છે. જે ચાર ગુના ઓછા થાય તે ખરા, અને જે ચાર જીવ ઓછા મર્યા તે ખરા.' રણવીરે કહ્યું.

'સાહેબ ! એક વચન આપો,' લખપતે કહ્યું.

'વચન તો...મારા અધિકાર પૂરતું હું આપું. પણ કહે તો ખરો કે તું શું માગે છે આ ટોળી વિખેરવા માટે?' રણવીરે પૂછ્યું.

'જુઓ સાહેબ ! હું મારો જીવ માગતો નથી; મને ફાંસીએ