પૃષ્ઠ:Divadi.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : દીવડી
 

લટકાવો; પરંતુ મારા સાથીદારોના જીવ બચે એમ કરો તો હું બહારવટું મૂકી દઉં અને આપને શરણે આવું. આપ આવ્યા છો માટે જ. અમલદારોમાં આપ જ મને વાત કરવા જેવા લાગ્યા છો.' લખપતે કહ્યું.

'લખપત ! વચન તો ન અપાય; મારા હાથની વાત નથી. પણ હા, પુરાવો જરા હળવો થાય અને સજા કદાચ ઓછી પણ થાય.' રણવીરે કહ્યું.

'વચન આપી શકે એવા કોઈ સાહેબ અહીં આવી શકે ખરા?'

'ના ભાઈ ! અહીં આવે એવો ઉપરીમાં ઉપરી અમલદાર હું અને ન્યાયની અદાલત તમારો ફેંસલો કરે એ વાત પણ સાચી. તને – તારા જેવાને ખોટી લાલચ હું નહિ આપું.'

'તો સાહેબ ! મારું બહારવટું ચાલુ અને આપની પકડ પણ ચાલુ. તમારી ન્યાયની અદાલત જેવા પાખંડે તો મને બહારવટિયો બનાવ્યો. પાછો એને આશરે જઈ હું દશગણો બહારવટિયો બની પાછો ક્યાં આવું ? ભગત ! સાહેબને ચા આપો અને સલામત નીચે પાછા લઈ જાઓ.' લખપતે કહ્યું અને શૂરો ભગત શિવમંદિરમાં ચા લેવા માટે ગયો. એ દરમિયાન રણવીર અને લખપત બન્ને એકબીજાને જોતા, એકબીજાથી સમાલતા અને આછીપાતળી વાતો કરતા દેખાયા. ચાના પ્યાલા લઈ શૂરો ભગત આવ્યો અને રણવીરે કહ્યું : 'લખપત ! તું સમજી શકે છે કે તારે હવે બચવું મુશ્કેલ છે !'

'એ તો સાહેબ ! બહારવટે નીકળ્યો ત્યારનો જાણું છું. માથું કાપી મેં હાથમાં મૂકેલ છે.'

'અને જોકે મારા અને તારા હાથમાં હથિયાર નથી, તે છતાં આ ડુંગરાની બહાર હવે તું નીકળી શકીશ નહિ.' રણવીરે સહજ કડકાઈથી કહ્યું.

'સાહેબ ! એ તો જોયું જશે. આપને એક વખત મેં મારા કહ્યા હતા એટલે આપની ઉપર તો હું કદી હાથ નહિ ઉપાડું,