પૃષ્ઠ:Divadi.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ : ૧૩૯
 

પણ દગો થશે તો આપની ટુકડી બહુ બચવાની આશા ન રાખે એ પણ ધ્યાનમાં રાખજો.' લખપતે કહ્યું.

'ટુકડી બચે કે ન બચે, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે નીચે ઊતરતાં આજ નહિ તો કાલ તું જરૂર પકડાશે.' રઘુવીરે કહ્યું.

'આપણે શરત લાગી, સાહેબ ! તમારી ટુકડીને હાથ હું આવું તો અમને બધાંને જરૂર ફાંસી દેજો; અને જો હું હાથ ન આવું તો... આપ જ આપની બાજુની શરત મૂકો.'

'અમે સરકારી નોકરો નિયમ પ્રમાણે ચાલીએ. અમારાથી શરતો ન થાય. તારા અને તારાં બૈરીછોકરાંના લાભ માટે કહું છું કે હવે આવી બન્યું માનીને તું મારે હાથ આવી જા. બનતાં સુધી બચાવીશ.'

'સાહેબ ! આપણે ચા પી લઈએ અને છૂટા પડીએ. કાયદા માણસ માટે છે, મડદાં માટે નહિ.' લખપતે કહ્યું અને તેણે ચા પીવા માંડી, તથા રણવીરને પણ પોતાના ગળાના સેગન ખાઈને ચા પાઈ. ચા પી રહી લખપત ઊભો થયો અને સાહેબને રામરામ કર્યા.

રણવીરે છેલ્લી સમજૂતી કરી જોઈ; પરંતુ લખપતે શરણું સ્વીકારી ફાંસીએ ચઢવા કબૂલ ન કર્યું. અંતે નીચે ઊતરવા માટે રણવીરે પગ ફેરવ્યો અને તે એકાએક આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. શિવાલયની પાછળથી એક યુવતી શસ્ત્રસજજ બની ઘોડેસવાર થઈ, ઘોડાની છલંગ સાથે સૌની પાસે આવી, અને લખપતે રણવીરને પૂછ્યું :

'સાહેબ ! હથિયાર છે? હોય તો પકડવાની હિંમત કરો નહિ તો હું...તમને મારી શકત; પરંતુ મારા જૂના સાહેબ ઉપર હું હાથ નહિ ઉપાડું !'

'લખપત ! મારી પાસે શસ્ત્ર નથી, પરંતુ આસપાસ શસ્ત્રધારીઓ નહિ હોય એમ તું ન માનીશ.'

'તેની હરકત નહિ, સાહેબ ! રામરામ. હવે મળીશું બંદૂકની