પૃષ્ઠ:Divadi.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : દીવડી
 


'સમાન હક્કની બધી વાત ઠીક છે; પણ અંતે સ્ત્રીઓની કિંમત કેટલી ?'

વિલાસિનીએ મને સામો પ્રશ્ન કર્યો : 'ત્યારે પુરુષોની કિંમત કેટલી ?'

'હું પુરુષોની કિંમત ગણાવી જઉં. વીસમી સદીમાં સ્ત્રીઓ અને પુરુષોને સરખા રાજદ્વારી હક મળ્યા છે. કહો, કેટલી સ્ત્રીઓ લૉઈડ જ્યોર્જ, કૈસર, હિટલર, ચર્ચિલ કે સ્ટાલીન બની ? અરે, આપણે હિંદુસ્તાનમાં જ જુઓ ને ? નેહરુ, વલ્લભભાઈ, સુભાષની સાથે મૂકી શકાય એવી એક સ્ત્રી પણ બતાવો ને ?'

'સરોજિની નાયડુ...' કોઈક યુવતીકંઠમાંથી સૂર સંભળાયો.

'હું જાણતા જ હતો કે જેમાં તેમાં એક સરોજિની નાયડુને તમે આગળ કરશો. પણ એની સામે મૂકી શકાય એવા કેટલા પુરુષ છે એનો તમે ખ્યાલ કર્યો? સુરેન્દ્રનાથ, ફિરોજશાહ, ગોખલે, તિલક, ગાંધી, લજપતરાય, ટાગોર એવાં એવાં નામ વચ્ચે એકાદ સોજિની નાયડુ આવે એથી સ્ત્રીઓની કિંમત વધી જતી નથી.' મેં કહ્યું, અને વાદવિવાદ ખૂબ ઉષ્ણતાભર્યો બન્યો. રાજાઓ પણ પુરુષો, લડવૈયા પણ પુરુષો, સેનાપતિઓ પણ પુરુષો, મુત્સદ્દીઓ પણ પુરુષો, કવિઓ પણ પુરુષો અને કલાકારો પણ પુરુષો : એ વસ્તુસ્થિતિ પુરુષ પક્ષે લગભગ સાબિત કરી અને મેં તેમાં ઉમેર્યું :

'અરે એટલું જ નહિ, પાકશાસ્ત્રમાં પણ પ્રાવીણ્ય કોઈએ મેળવ્યું હોય તો તે પુરુષોએ. પાકશાસ્ત્રનો ઇતિહાસ તપાસો.'

'તે તને રસોઈ કરતાં આવડે છે ?' વિલાસનીએ બહુ ગુસ્સે થઈને પ્રશ્ન પૂછ્યો. તેનું ચાલત તો તે મને છૂટી ચોપડી મારત એટલે ગુસ્સો તેના મુખ ઉપર હું જોઈ શક્યો. મેં કહ્યું :

'અંગત વાત જવા દો. સરોજિની નાયડુની માફક મને એક અપવાદ ગણી લેશો. હું તો માત્ર પુરાવા રજૂ કરું છું. અને તેમાં સ્ત્રીઓની ઊતરતી જ નહિ; પરંતુ બહુ નીચી કક્ષા કેમ છે તેનો