પૃષ્ઠ:Divadi.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીની કિંમત કેટલી ? : ૧૪૫
 

વિચાર જ કરવા હું સૂચવું છું.'

'સ્ત્રીઓને પશુપક્ષીઓની માફક આત્મા જ હોતા નથી એવી પણ સંભાવના છે.' એક પુરુષ વિવાદીએ કહ્યું.

અને પછી તો અમારી સભા ભાંગી પડી, અત્યંત બૂમાબૂમ થઈ રહી, બેત્રણ છોકરીઓએ રીસમાં ને રીસમાં રડવા પણ માંડ્યું અને હું કૉલેજમાં રહ્યો ત્યાં સુધી ફરી આવી વિવાદસભા થઈ શકી નહિ. પ્રયત્ન કર્યા છતાં વિદ્યાર્થિનીઓએ ચર્ચાસભામાં હાજરી આપવાની જ ના પાડી. બળવાન પુરુષ આમ રિસાઈને અળગો રહ્યો ન હોત; એ જરૂર માથે પડી આવી સભા સર કરી શક્યો હોત.

‘ત્યારથી મારો પ્રશ્ન બહુ તીવ્ર બન્યો:

'સ્ત્રીની કિંમત કેટલી ?'

છતાં એ ઉગ્ર પ્રશ્ને મારું લગ્ન થતું અટકાવ્યું નહિ અને આશ્ચર્યની વાત તો એ હતી કે આવા વિવાદમાં મારો સતત સામનો કરનાર વિલાસની સાથે જ મારું લગ્ન થઈ ચૂક્યું ! લગ્ન કોનાં, કોની સાથે, કેમ થાય છે એ પ્રશ્ન કોઈએ પૂછવો જ નહિ. એ રહસ્ય કદી ઊકલ્યું નથી અને કદી ઊકલવાનું પણ નથી. સ્ત્રીઓની ઊતરતી કક્ષા છે એમ મારું વાચન અને મારી બુદ્ધિ અને વારંવાર કહેતાં હતાં, છતાં સ્ત્રીઓ મને ગમતી ન હતી એમ તો મારાથી કહી શકાય નહિ. ઘણી યે વાર હુ રૂપાળી યુવતીઓ સામે જોઈ રહેતો–જે કદાચ યુવતીઓને પણ ગમતું હોય એમ મને લાગ્યું. રૂપાળી સ્ત્રી છબીઓ અને સ્ત્રીમૂર્તિઓ પ્રત્યે મારું લક્ષ ખેંચાતું હતું જરૂર; પરંતુ એ ખેંચાણ હોવા છતાં મને એમ તો જરૂર લાગતું કે પુરુષની કિંમત સ્ત્રી કરતાં વધારે છે, અને જ્યારે વિલાસિની સાથે મારું લગ્ન લગભગ નક્કી થયું ત્યારે હસતાં હસતાં મેં વિલાસિનીને પૂછ્યું પણ ખરું :