પૃષ્ઠ:Divadi.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ : દીવડી
 


'વિલાસ ! લગ્ન માટે મારી ના નથી, પરંતુ મારા વિચારો તો તારી જાણમાં જ છે ને ?'

'ક્યા વિચારો?' જાણે કૉલેજના અમારા ઉગ્ર વાદવિવાદ સમૂળગા ભુલાઈ ગયા હોય એમ વિલાસિનીએ મને સામે પૂછ્યું.

'કેમ ? ભૂલી ગઈ એટલામાં ? સ્ત્રીઓની કિંમત વિષેના મારા વિચારો...' મેં કહ્યું. પરંતુ મારું વાક્ય પૂરું ન થવા દેતાં વિલાસ વચમાંથી જ બોલી ઊઠી :

'હાં, હાં...એ બધું તો ઠીક છે. પત્નીને મારઝૂડ કરવાની ઉમદા કક્ષાએ તો તારું પુરુષત્વ નથી આવ્યું ને?'

અમે બન્ને એ પ્રશ્નો ઉપર ખૂબ હસ્યાં. હસવા જેવું ન હોય ત્યાં માનવી ઠીકઠીક હસી શકે છે. મેં કહ્યું :

'ધારી લે કે હું તે કક્ષાએ પહોંચ્યો હોઉં; તો?'

'હરકત નહિ. તારી એ કક્ષાને હું જોઈ લઈશ. મને એની બીક નથી.' વિલાસિનીએ જવાબ આપ્યો અને અમારાં લગ્ન થઈ ચૂક્યાં.

હું યુવક હતો અને તેમાં ય બાહોશ યુવક હતો. સારું ભણતર ભણેલો હોવાથી મને નોકરી પણ ઘણી સારી મળી ગઈ હતી. વિલાસિની પણ સારું ભણી હતી, પરંતુ પરણ્યા પછી એણે નોકરીની ઈચ્છા દર્શાવી ન હતી; અને મારો પગાર અમારા બંનેનું ઠીક ઠીક પૂરું કરે એવો હોવાથી વિલાસિનીને નોકરી કરવાની જરૂર પણ રહી ન હતી. અમારો સંસાર સુખમય ઢબે ચાલ્યા કરતો હતો. છતાં વચમાં વચમાં મારો સનાતન પ્રશ્ન મારા હૃદયમાં તરી આવતો અને વાતચીતમાં વિલાસિનીને ખોટું લાગે એવું હું કહેતો પણ ખરો :

'પણ સ્ત્રીની કિંમત કેટલી ?'

'તે તું પગાર લાવે છે, માટે મને પૂછે છે ? મને કહેવા દે કે પુરુષની કિંમત પગાર જેટલી.' સહેજ મોં ચઢાવી વિલાસિનીએ કહ્યું. ચિડાયલી પત્નીને વધારે ચીડવવી એ પણ એક જાતની મોજ છે. મારા પ્રિય વાદને મેં આગળ લંબાવ્યો;