પૃષ્ઠ:Divadi.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ : દીવડી
 

ટાકાં અને પેટીઓ ઉઘાડી નાખ્યાં હતાં અને તેની તથા રસોઈયાની વચ્ચે એક ચમચા દૂધ માટે ભયંકર ઝઘડો ઊભો થયો હતો. કચેરીમાંથી હું આવ્યો એટલે પુત્રે રસોઇયા સામે, રડતાં રડતાં ખૂબ ફરિયાદ કરી; એટલે મેં રસોઇયાને બોલાવી ઠીક ઠીક ધમકાવ્યો. રસોઈયો કાંઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો; પણ તે રાત્રે મને લાગ્યું કે રસોઈ રોજ જેટલી સ્વાદિષ્ટ બની નથી.

વાર્તા કહી મેં બાળકને સુવાડી દીધો, અને બીજે દિવસે અમારો સવારનો કાર્યક્રમ શરૂ થયો. નવ વાગે સવારે હું વર્તમાનપત્ર વાંચતો આરામથી બેઠો હતો. ધારાસભાની ગરમાગરમ ચર્ચા મારું ધ્યાન ખેંચી રહી હતી અને એકાએક રસોઇયાએ આવી કહ્યું :

'સાહેબ ! આજ બજારમાં પરવળ મળતાં નથી.'

'તો બીજું શાક લઈ આવ. એમાં પૂછવાને શું આવ્યો ?' મેં જરા જોરથી કહ્યું.

'આ તો આપે લેખી કાર્યક્રમ કર્યો હતો એટલે મને લાગ્યું કે હું આપને પૂછી જોઉં. બીજું શું લાવું ?' રસોઈયાએ કહ્યું.

'ગમે તે લાવ; બટાટાં, દૂધી, કારેલાં, કોબીજ ગમે તે.' મેં પગ ઠોકીને કહ્યું.

'એના ભાવ માટે કંઈ કહેવાનું છે?' રસોઈયાએ પૂછ્યું.

'ના, ભાઈ, ના ! તારે ફાવે તે કર. મને વાંચવા દે.' કહી મેં રસોઈયાને વિદાય કર્યો.

દસ વાગ્યા અને નાનકડો પુત્ર રડતા આવી રસોઈ હજી થઈ નહોતી એવી ફરિયાદ લાવ્યો. તપાસ કરતાં માલૂમ પડ્યું કે કાર્યક્રમમાં ગોઠવેલું શાક ન મળવાથી ફરી વાર શાક લેવા જવું પડ્યું તેને અંગે રસોઈયાને વાર થઈ હતી. સાડા દસે તો બાળકની શાળાગાડી – બસ – આવવાની હતી, અને નિયમિતતાના શોખીન બાળકે વખતસર જમીને જવા માટે મને કાયર કરી નાખ્યો. ‘ગાડી – બસ ભલે ચાલી જાય; હું તને મારી સાથે લઈ જઈશ.' અને બાલમંદિરવાળાં